Japan on High Alert: પૂર્વ એશિયાઈ રાષ્ટ્ર જાપાનમાં અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાન શાનશાન 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે કાગોશિમા અને મિયાઝાકી પ્રીફેક્ચર માટે ચેતવણી જાહેર કરી છે. ચક્રવાતી તોફાનને જોતા સરકાર પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે. વાવાઝોડાની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે સરકારના નિર્દેશો પર શુક્રવાર સુધી લગભગ 219 ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. પ્રખ્યાત કાર ઉત્પાદક ટોયોટાએ તેની ફેક્ટરીઓ બંધ કરી દીધી છે અને સરકાર આ બે પ્રાંતમાંથી લગભગ 8 લાખ લોકોને વિસ્થાપિત કરી રહી છે. એટલું જ નહીં, રાજધાની ટોક્યો સુધી રેલ, બુલેટ ટ્રેન, ફ્લાઇટ અને પોસ્ટલ સેવાઓને રોકવાના આદેશ જારી કરવામાં આવ્યા છે.
દેશની હવામાન એજન્સી (JMA) એ બુધવારે અનુમાન લગાવ્યું હતું કે ટાયફૂન 2 વાગ્યે યાકુશિમા ટાપુથી 70 કિમી દૂર હતું અને તે દક્ષિણપશ્ચિમ ક્યુશુ ટાપુ પર કાગોશિમા અને મિયાઝાકી પ્રીફેક્ચર તરફ આગળ વધી રહ્યું છે. મુખ્ય કેબિનેટ સચિવ યોશિમાસા હયાશીએ પત્રકારોને જણાવ્યું હતું કે શાનશાન ગુરુવારે “અત્યંત ઝડપે” દક્ષિણ ક્યૂશુ તરફ આગળ વધશે.
250 કિલોમીટરની ઝડપ
હયાશીએ કહ્યું કે વાવાઝોડાની ઝડપ પ્રતિ કલાક 250 કિમી સુધી પહોંચવાની ધારણા છે. તેમણે વધુમાં કહ્યું કે તે અગાઉના ચક્રવાતી વાવાઝોડા કરતાં ઘણું ખરાબ હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે શાનશાન પહેલા, આ મહિનાની શરૂઆતમાં, ચક્રવાતી તોફાન એમ્પિલે દરિયાકાંઠાના વિસ્તારોમાં તબાહી મચાવી હતી. જેના કારણે ઘણા શહેરોમાં અંધારપટ છવાઈ ગયો અને સેંકડો ફ્લાઈટ્સ અને ટ્રેનો ખોરવાઈ ગઈ.
8 લાખથી વધુ લોકોને ઈવેક્યુએશન ઓર્ડર જારી કરવામાં આવ્યા છે
JMAએ કહ્યું કે શાનશાન આગામી થોડા દિવસોમાં ક્યુશુની નજીકના દરિયાકાંઠે અથડાશે. તે સપ્તાહના અંતમાં રાજધાની ટોક્યો સહિત મધ્ય અને પૂર્વીય વિસ્તારોમાં પહોંચે તેવી શક્યતા છે. સત્તાવાળાઓએ બુધવારે ક્યુશુના કાગોશિમા પ્રીફેક્ચર અને ટોક્યોના દક્ષિણપશ્ચિમમાં, સેન્ટ્રલ હોન્શુ ટાપુ પર આવેલા એચી અને શિઝુઓકા પ્રીફેક્ચરના 800,000 થી વધુ રહેવાસીઓને ખાલી કરાવવાના આદેશો જારી કર્યા હતા.
સેંકડો ફ્લાઇટ્સ રદ, ટપાલ સેવાઓ પણ સ્થગિત
બીજી તરફ કાર નિર્માતા કંપની ટોયોટાએ બુધવાર સાંજથી ગુરુવાર સવાર સુધી જાપાનમાં તેના તમામ 14 પ્લાન્ટમાં કામગીરી સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે. જાપાન એરલાઇન્સે બુધવાર અને ગુરુવાર માટે નિર્ધારિત 172 સ્થાનિક ફ્લાઇટ્સ અને છ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરી છે. જ્યારે ANAએ બુધવાર, ગુરુવાર અને શુક્રવાર માટે નિર્ધારિત 219 સ્થાનિક ફ્લાઇટ્સ અને ચાર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરી હતી. લગભગ 25000 લોકો તેનાથી પ્રભાવિત થશે.
એટલું જ નહીં, ક્યુશુ રેલ્વેએ કહ્યું કે કુમામોટો અને કાગોશિમા ચુઓ વચ્ચેની કેટલીક શિંકનસેન બુલેટ ટ્રેન સેવાઓ બુધવારે રાતથી સ્થગિત કરવામાં આવશે. ક્યુશુના સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર ટોક્યો અને ફુકુઓકા વચ્ચેની ટ્રેનો પણ આ અઠવાડિયે હવામાન પરિસ્થિતિઓના આધારે રદ થઈ શકે છે. ક્યુશુ પ્રદેશમાં ટપાલ અને ડિલિવરી સેવાઓ પણ સ્થગિત કરવામાં આવી છે. સુપરમાર્કેટ અને અન્ય દુકાનો વહેલા બંધ કરવાની જાહેરાત કરી છે.
આ પણ વાંચો: Jharkhand: ચંપઈ સોરેને JMMમાંથી રાજીનામું આપ્યું, કહ્યું- સપનામાં પણ આવું નહોતું વિચાર્યું