રાજ્યમાં કોરોનાના કેસોમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. ગઈ કાલે અમદાવાદમાં વધુ પાંચ કેસો સામે આવ્યા હતા. જેથી અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 35 થઈ હતી. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. આ સાથે કોરોનાના એક્ટિવ કેસમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે પહોંચી ગયું છે. ત્યારે બીજી તરફ કોરોનાના કેસને જોતા રાજ્ય સરકાર દ્વારા આજથી રાજ્યમાં ફરી એકવાર કોરોના ટેસ્ટિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
આજથી રાજ્યમાં કોરોના ટેસ્ટિંગની પ્રક્રિયા શરૂ
રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થતા રાજ્યભરમાં કોરોના ટેસ્ટિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે. ક્રિસમસની રજા પૂર્ણ થતા આજથી રાજ્યમાં ફરી એકવાર કોરોના ટેસ્ટિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.સમગ્ર રાજ્યમાં કોરોના ટેસ્ટિંગની પ્રક્રિયા શરૂ કરવામા આવશે જેમાં રાજ્યની સરકારી હોસ્પિટલો, અર્બન હેલ્થ સેન્ટરો સહિતના સ્થળોએ કોરોનાના ટેસ્ટિંગ શરૂ કરાશે.
કોરોના કેસમાં ગુજરાત ચોથા ક્રમે
રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક વધીને 56 થયો છે. આ સાથે જ દેશમાં ગુજરાત કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં ચોથા ક્રમે પહોંચી ગયું છે.
હોસ્પિટલોમાં કોરોના વોર્ડ તૈયાર
હાલ અમદાવાદ શહેરની અસારવા સિવિલ હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ અને SVP હોસ્પિટલમાં દર્દી આવે ત્યારે ટેસ્ટિંગ કરવામાં આવે છે. તેમજ સોલા સિવિલમાં કોરોના માટે સ્પેશિયલ વોર્ડ શરૂ કરાયો છે. અને 25 બેડનો કોરોના માટે સ્પેશિયલ વોર્ડ તૈયાર કરાયો છે. આ સાથે સુરત, રાજકોટ અને વડોદરા સિવિલ હોસ્પિટલમાં પણ કોરોના માટે સ્પેશિયલ વોર્ડ શરૂ કરી દેવામા આવ્યા છે. આમ કરોનાને લઈને તંત્ર એક્ટિવ થયું છે ત્યારે બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા લોકોને સર્ક રહેવા પણ અપીલ કરવામા આવી છે.