Congress : ગુજરાતમાં સંગઠનને મજબૂત કરવા રાહુલ ગાંધીના ધામા, કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક શરુ, હવે શું થશે નવા જૂની ?

April 15, 2025

Congress : ગુજરાતમાં હવે કોંગ્રેસને મજબૂત કરવા માટે ખુદ રાહુલ ગાંધી પણ મેદાને આવી ગયા છે. પહેલા 2 દિવસ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરાયું. અને હવે માત્ર છ દિવસની અંદર ફરી રાહુલ ગાંધી ગુજરાત આવી પહોંચ્યા છે. સંગઠનને મજબૂત કરવા હવે ટીમ રાહુલ ગાંધી એક્ટિવ થઇ ગઈ છે. અને સંગઠન સૃજન અભિયાન અંતર્ગત જિલ્લા અને મહાનગરોના 41 પ્રમુખો નક્કી કરવા અમદાવાદમાં નિરીક્ષકો સાથે હવે બેઠક કરશે. કોંગ્રેસના આ પ્રોજેક્ટ અંતર્ગત 5 સભ્યની ટીમ બનશે અને 45 દિવસમાં જિલ્લા પ્રમુખોની નિમણૂક પૂર્ણ કરવામાં આવશે.

કોંગ્રેસ નેતાઓ પહોંચ્યા કાર્યાલય

કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ પણ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા છે. ખાસ કોંગ્રેસ કાર્યાલય પર AICCના નિરીક્ષકોને ઉપસ્થિત રહેવા સૂચના આપવામાં આવી છે. બનાસકાંઠાના સાંસદ ગેનીબહેન ઠાકોર પણ કોંગ્રેસ કાર્યાલય બેઠક માટે પહોંચ્યા છે. પોલીસ દ્વારા પ્રદેશ કાર્યાલયના ગેટ ઉપર તમામ લોકોની પૂછપરછ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ તરફથી પોલીસને નામનું લિસ્ટ આપવામાં આવ્યું છે જે લોકોનું લિસ્ટમાં નામ છે તેટલા જ લોકોને કાર્યાલયમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.અન્ય લોકોને ત્યાં પ્રવેશ આપવાની મનાઈ કરવામાં આવી છે.

ચાર તબક્કામાં બેઠક

આજે રાહુલ ગાંધી સાથેની બેઠક અલગ અલગ ચાર તબક્કામાં યોજવાની છે. જેમાં પહેલા તબક્કામાં રાહુલ ગાંધી દરેકનો પરિચય મેળવશે. બીજા તબક્કામાં કે. સી. વેણુગોપાલ દ્વારા સંગઠન પ્રક્રિયા પર વાત કરવામાં આવશે. ત્રીજા તબક્કામાં પ્રેઝન્ટેશન થશે જેમાં જિલ્લા પ્રમુખ પસંદ કરવાની પ્રક્રિયાનું વિવરણ હશે. અને ચોથા તબક્કામાં સવાલ-જવાબ થશે. એટલે આ ચાર મુખ્ય તબક્કાઓ રહેશે.

મુકુલ વાસનિકે આ મામલે શું કહ્યું ?

કોંગ્રેસની બેઠકને લઇને ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદ પહોંચ્યા હતા. તેમણે બેઠકને લઈને જણાવ્યું હતું કે, “2025નું સમગ્ર વર્ષ સંગઠનને મજબૂત કરવા પાછળ અમે કામગીરી કરીશું. અધિવેશનમાં પણ સંગઠનને મજબૂત કરવા અંગેનું નક્કી કર્યું હતું. એ જ ઉદ્દેશ્ય સાથે રાહુલ ગાંધી આજે ફરી ગુજરાત આવી રહ્યા છે. ઓબ્ઝર્વરનું લિસ્ટ હાલમાં જ જાહેર થયું છે. તેમની સાથે આજે બેઠક યોજાશે. તેમની પાસેથી કોંગ્રેસ કયા પ્રકારની અપેક્ષા રાખી રહી છે તેની ચર્ચા કરીશું. આવતીકાલે મોડાસા જઈશું. ગુજરાતની શરૂઆતથી જે અનુભવ થશે તેને લઈને આગળ નિર્ણય કરીશું.

કે.સી.વેણુગોપાલે શું કહ્યું ?

ગાંધીની મુલાકાત વિશે X પર લખતા, કોંગ્રેસના મહાસચિવ (સંગઠન) કેસી વેણુગોપાલે કહ્યું, “આજે અને કાલે રાહુલ ગાંધી આ પ્રક્રિયા શરૂ કરવા માટે ગુજરાતમાં રહેશે. તેઓ અરવલ્લી જિલ્લાના મોડાસામાં કોંગ્રેસનું સંગઠન સૃજન અભિયાન શરૂ કરશે. પહેલો ઉદ્દેશ્ય જિલ્લા કોંગ્રેસ સમિતિઓ અને તેમના પ્રમુખોને સશક્ત બનાવીને અને જવાબદારીની નવી પ્રણાલી રજૂ કરીને પાર્ટી સંગઠનને મજબૂત બનાવવાનો છે. નોંધનીય છે કે રાહુલ ગાંધીએ અગાઉ ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકરોને કહ્યું હતું કે ભાજપ સાથે સંકળાયેલા કેટલાક લોકોને પાર્ટીમાંથી દૂર કરવાની જરૂર છે.

કોંગ્રેસ અધ્યક્ષે રેસના અને લગ્નના ઘોડા અલગ કરવાની વાત કહી હતી

કોંગ્રેસનો દાવો છે કે, જિલ્લા પ્રમુખોની નિમણૂક ન્યાયી રીતે કરવામાં આવશે, અને ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, અમે ભવિષ્યમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં જિલ્લા પ્રમુખોને સામેલ કરીશું. મતલબ કે, રાજ્યોની રાજધાનીઓમાં બેસીને ટિકિટ વહેંચનારા નેતાઓ હવે પોતાની મરજી મુજબ કરી શકશે નહીં. કોંગ્રેસ પ્રમુખે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, જે લોકો પાર્ટીના કામમાં મદદ નથી કરતા, તેમણે આરામ કરવાની જરૂર છે… જે લોકો પોતાની જવાબદારીઓ નિભાવતા નથી, તેમણે નિવૃત્તિ લઈ લેવી જોઈએ. એટલે કે હવે રેસના ઘોડા અને લગ્નના ઘોડા અલગ કરવા માટે કોંગ્રેસ સક્રિય થઇ ગઈ છે.

આ પણ વાંચોUmesh Makwana : ઉમેશ મકવાણાની ભાજપમાં જોડાવવાની અટકળોનો અંત, પ્રેસ કોન્ફરન્સ કરી કર્યો ખુલાસો, કોને આપી ચેતવણી ?

Read More

Trending Video