Jignesh Mevani on BJP: ગુજરાતમાં (Gujarat) વધુ નવા 3 જિલ્લાઓની જાહેરાત થાય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. જેમાં બનાસકાંઠા (banaskantha), કચ્છ (kutchh) અને પાટણમાંથી (Patan) રાધનપુર અથવા થરાદ નવો જિલ્લો બની શકે છે. ઉપરાંત અમદાવાદ અને સુરેન્દ્રનગરમાંથી વિરમગામ જિલ્લો બની શકે છે. તથા મહેસાણા અને ગાંધીનગરના કેટલાક ભાગ ઉમેરીને વડનગર નવો જિલ્લો બની શકે તેવી વાતો વહેતી થઈ છે. ત્યારે આ ચર્ચાઓ વહેતી થતા રાજકારણ ગરમાયું છે. આ ચર્ચાઓ અંગે જીગ્નેશ મેવાણી રાજ્ય સરકાર પર લાલઘૂમ થયા છે અને સરકારને આવો મુર્ખતા ભર્યો નિર્ણય લેશે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.
નવા જિલ્લાઓની ચર્ચાઓ અંગે જીગ્નેશ મેવાણીએ સરકાર પર કર્યા પ્રહાર
જીગ્નેશ મેવાણીએ કહ્યું કે,ગુજરાતમાં ચાર-પાંચ નવા જિલ્લા બનાવવાની વિચારણા ચાલી રહી છે. મહેસાણામાંથી અલગ કરીને વડનગરને પણ નવો જિલ્લો બનાવાશે એવું પણ કહેવાય છે. ત્યારે વડનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વતન હોવાથી દેશભરમાં જાણીતું છે, પરંતુ શું વડનગર ખરેખર જિલ્લા મથક બનવાની ક્ષમતા ધરાવે છે? એવી જ રીતે, વિરમગામને પણ જિલ્લો બનાવવાની કવાયત ચાલી રહી છે. શું આ સ્થળ જિલ્લો બનવા યોગ્ય છે? જો કે આ સવાલોનો જવાબ સ્પષ્ટ ના છે. વાત એમ છે કે, ભાજપના એક નેતાનું ઘર ભરવા માટે અને ભૂમાફિયાને અધધ કમાણી કરાવવા માટે આ ગોઠવણ કરાઈ છે. ભાજપે વિકસાવેલું આ નવું ભ્રષ્ટાચારનું મોડલ છે,જેમાં ખેડૂતો પાસેથી સસ્તામાં જમીન પચાવી પાડીને બિલ્ડરોને અને મળતિયાને મોંઘા ભાવે વેચી દેવાની યોજના તૈયાર કરાઈ છે. આ તમામ વહીવટ ભાજપના એક નેતા માટે જ ગોઠવાયો હોવાની ચર્ચા છે. આ કારણસર ગાંધીનગરમાં ગણગણાટ છે કે, પ્રજાના વિકાસની વાતો કરીને ભ્રષ્ટાચારનો વિકાસ કરવાનું આ ભાજપનું નવું મોડલ છે, જેમાં ખેડૂતો પાયમાલ થશે અને નેતાઓ કમાઈ જશે.
વડગામ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાંથી દૂર કરી નવા બની રહેલા વડનગર જિલ્લામાં ભેળવી દેવાની જે વાતો વહેતી થઈ છે એનાથી સમગ્ર વડગામ તાલુકામાં ભારે આક્રોશ છે. જો સરકાર આવો કોઈ પણ મૂર્ખતાપૂર્ણ નિર્ણય કરશે તો ભારે જન આંદોલનનો સામનો કરવા એમણે તૈયાર રહેવું જોઈએ. #MaruVadgam @CMOGuj… pic.twitter.com/9r4NSNh0KC
— Jignesh Mevani (@jigneshmevani80) September 30, 2024
જીગ્નેશ મેવાણીએ ઉચ્ચારી ઉગ્ર આંદોલનની ચીમકી
વધુમાં જીગ્નેશ મેવાણીએ કહ્યુ કે, વડગામ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાંથી દૂર કરી નવા બની રહેલા વડનગર જિલ્લામાં ભેળવી દેવાની જે વાતો વહેતી થઈ છે એનાથી સમગ્ર વડગામ તાલુકામાં ભારે આક્રોશ છે. આવી મૂર્ખતા રાજ્ય સરકારે કરી તો તેનું પરિણામ સારુ નહીં આવે. આની સામે લડવા માટે હું અને સમગ્ર લડવા તૈયાર છીએ, સરકાર ઉગ્ર આંદોલન માટે તૈયાર રહે, આવો ચાળો બિલકુલ ન કરતા, તમારે કરવું હોય તો. તમારી દાનતમાં ખોટ છે. ખરેખરમાં વડગામનું સારુ કરવું હોય લોકોને પાણી માટે 60-70 કિલોમીટર શુ કામ લાંબા કરો છો,વડગામમાં પાણી લાવો, વંચિત વર્ગોને આવાસ યોજનાનો લાભ આપો, જે કરવાનું છે તે કરવું નથી અને લોકોને હેરાન કરવાનો જે ધંધો શરુ કર્યો છે.
જીગ્નેશ મેવાણી હરિયાણા ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત
વધુમાં તેમણે કહ્યુ કે, હાલ તો હું હરિયાણામાં ચૂંટણી પ્રચારમાં છે. અને ટુક સમયમાં આવું છું અને આ મુદ્દે સરકાર કોઈ પણ ચાળો કરશે તો અમે ઉગ્ર આંદોલનની તૈયારી કરવાના છીએ.