ગુજરાતમાં (Gujarat) જ્ઞાન સહાયક યોજના (Gyan Sahayak Scheme) અંતર્ગત કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવાના રાજ્ય સરકારના નિર્ણયનો TET-TAT પાસ ઉમેદવારો વિરોધ કરી રહ્યાં છે. આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આ યોજનાના વિરોધમાં યુવા અધિકાર યાત્રાના (Yuva Adhikar Yatra) નામ પર રિવર્સ દાંડી યાત્રા કાઢવામાં આવી હતી. આ યોજનાનો વ્યાપક વિરોધ થઈ રહ્યો છે ત્યારે આ મુદ્દે ધરણા પર બેસેલા કોંગ્રેસના (Congress) નેતાની અટકાયત કરવામાં આવી છે.
પોલીસની કાર્યવાહી
જ્ઞાન સહાયક યોજના રદ્દ કરી કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ સાથે કોંગ્રેસના નેતા ભેમાભાઈ ચૌધરી લાખણીમાં અનિશ્ચિત મુદ્દતના ધરણાં પર બેસ્યા હતા પરંતુ તેમની પોલીસ અટકાયત કરી લીધી છે. કોંગ્રેસના આગેવાન અને તેની સાથે પ્રદર્શન કરી રહેલા આશરે 8 થી 10 લોકોની લાખણી પોલીસ અટકાયત કરી છે.
પોલીસ સ્ટેશનમાં ધરણા
કોંગ્રેસ આગેવાન ભેમાભાઈએ આ અંગે ટ્વીટ કરી લખ્યું કે, આજે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં જ્ઞાન સહાયકના અચોક્કસ મુદ્દતના વિરોધ પહેલા જ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. અમે સરકારને કહેવા માંગીએ છીએ કે, જો કાયમી શિક્ષકોની અમારી માંગણીઓ નહીં સંતોષાય તો અમે પોલીસ સ્ટેશનમાં જ અમારો વિરોધ ચાલુ રાખીશું.
મંજૂરી આપ્યા બાદ રદ્દ કરી
મળી રહેલી વિગતો અનુસાર ધરણાં માટે મામલતદાર દ્વારા 9 દિવસની મંજૂરી આપવામાં આવી હતી પરંતુ ગત રાતે આ મંજૂરી રદ્દ કરી દેવામાં આવી હતી અને આજે ધરણાં પર બેસેલા કોંગ્રેસના નેતાની અટકાયત કરવામાં આવી.