કોંગ્રેસે ગુજરાતના 3 ઉમેદવારને તૈયારી શરુ કરવા કહ્યું, જાણો કોંગ્રેસ હાઈકમાન્ડે કોને કોને ફોન કર્યો

March 8, 2024

Loksabha Election 2024: આગામી લોકસભા ચૂંટણીમાં (Loksabha Election) ઉમેદવારોના નામોને અંતિમ રૂપ આપવા માટે ગઈ કાલે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC) ની બેઠક યોજાઈ હતી. ત્યારે આજે કોંગ્રેસ (Congress) તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. જાણકારી મુજબ રાહુલ ગાંધી (Rahul Gandhi) વાયનાડથી ફરીથી ચૂંટણી લડશે તે અંગે સહમતિ બની છે. આ સાથે પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi)  રાયબરેલીથી ચૂંટણી લડવાને લઈને સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી નથી. જો ગુજરાતની વાત કરવામા આવે તો લોકસભા ચૂંટણી લડવા માટે કોંગ્રેસ પક્ષે ગુજરાતમાં ત્રણ લોકોને ફોન કરીને જાણ કરી હોવાની માહિતી સામે આવી છે.

ગુજરાતના 3 ઉમેદવારને કરાયા ફોન

સુત્રોના જણાવ્યા પ્રમાણે  કોંગ્રેસ પક્ષે બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરને (Ganiben Thakor) જાણ કરી દેવાઇ છે,તો વલસાડ બેઠક પરથી અનંત પટેલને (Anant Patel) પણ જાણ કરી દેવાઈ છે. આ સાથે અમદાવાદ બેઠક પરથી ભરત મકવાણાને (Bharat Makwana) પણ જાણ કરાઈ છે. આમ કોંગ્રેસ હાઈકમાન્ડે પણ કોંગ્રેસના ઉમેદવારોને ફોન કરીને તૈયારીઓ કરવા માટે જણાવી દીધું છે માત્ર ઔપચારિક જાહેરાત જ બાકી છે. જો કે આજે જાહેર થનારી કોંગ્રેસની પ્રથમ યાદીમાં ગુજરાતના ઉમેદવારોના નામની શક્યતા નહિંવત છે.

ગેનીબેન ઠાકોરને કરાઈ જાણ

કોંગ્રેસ દ્વારા લોકસભા માટે ટૂંક જ સમયમાં પ્રથમ યાદી જાહેર કરવામાં આવી શકે છે. ત્યારે ઉમેદવારોની યાદી જાહેર પહેલા ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા ગુજરાત લોકસભા માટે જેમની પસંદગી કરાઈ છે તેમને ચૂંટણીની તૈયારીઓ કરવા માટે એક એક કરીને જાણ કરવામાં આવી રહી છે. ત્યારે ગેની બેનને પણ લોકસભાની ચૂંટણી લડવા માટે પાર્ટી તરફથી ફોન મારફતે જાણ કરી દેવાઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેથી ગેનીબેન ઠાકોરે પ્રચારના પણ શ્રીગણેશ કરી દીધા છે.

ગેની બેને દર્શાવી તૈયારી

બીજી તરફ બનાસકાંઠાથી વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે લોકસભા ચૂંટણી લડવા અંગે મોટું નિવેદન આપ્યું છે. ગેનીબેન ઠાકોરે લોકસભા ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. ગેનીબેન ઠાકોરે કહ્યું કે, ચૂંટણી તે લોકશાહીનો ભાગ છે. અને આ લોકશાહીના ભાગરુપે પાર્ટી અને કાર્યકરો જે નક્કી કરે અને મહુડી મંડળ મારા ચૂંટણી લડવા અંગે નિર્ણય લેશે તો જરુરથી ચૂંટણી લડીશ.

 ભાજપે અગાઉ 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી

તમને જણાવી દઈએ કે, ગયા અઠવાડિયે ભાજપે લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. જ્યારે કોંગ્રેસે હજુ સુધી કોઈ ઉમેદવાર જાહેર કર્યા નથી. આજે કોંગ્રેસ તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે.

આ પણ વાંચો :  Rajasthan:કોટામાં શિવજીની શોભાયાત્રા દરમિયાન મોટી દુર્ઘટના, 14 બાળકોને લાગ્યો વીજ કરંટ

Read More

Trending Video