‘જ્યારે CM-PM આવવાના હોય ત્યારે જ સફાઇ થાય એવું નથી જોઈતું!સ્વચ્છતાનો સ્વભાવ પણ આપના સંસ્કારમાં લાવવો જ પડે ‘જાહેર મંચ પરથી CM Bhupendra Patel ની તંત્રને ટકોર

October 19, 2024

CM Bhupendra Patel visits Vadodara: વડોદરા (Vadodara) આમ તો સંસ્કારી નગરી કહેવાય છે પરંતુ તંત્રના પાપે સંસ્કારી નગરીની હાલત ખરાબ ગઈ છે. તંત્રના પાપે વડોદરાની જનતાએ ઘણી હાલાકી ભોગવી છે. વડોદરાના તંત્ર પર પહેલા પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે વડોદરાને સ્વચ્છ રાખવામાં પણ વડોદરાનુ તંત્ર નિષ્ફળ નિવળ્યું છે તેવું વડોદરાવાસીઓમાં ચર્ચાઈ રહ્યુ છે સૌ કોઈ જાણે છે કે, વડોદરામાં જ્યારે મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી આવવાના હોય ત્યારે મહાનગર પાલિકા કુંભકરણની નિંદ્રામાંથી જાગે છે અને રોડ-રસ્તાની સફાઇ કરીને અને રંગરોગાન કરીને આખું શહેર થોડા સમય પુરતું ઝળહળતું કરી દેવામાં આવે છે પરંતુ પછીથી તો જૈસે થે જેવી સ્થિતિ થઈ જતી હોય છે. ત્યારે આ વાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જાણી ગયા છે. ત્યારે આજે વડોદરાની મુલાકાત આવેલા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જાહેર મંચ પરથી તંત્રને ટોણો મારતા કહી જ દીધું કે, CM-PM આવે ત્યારે જ સફાઈ થાય તેવુ નથી જોઈતું.

મુખ્યમંત્રીએ જાહેર મંચ પરથી વડોદરાના તંત્રને માર્યો ટોણો

આજે વડોદરા શહેરની કલેકટર કચેરી ખાતે યુવા સાંસદ ડો.હેમાંગ જોશીનું સાંસદ કાર્યાલય તેમજ અટલ જન સેવા કાર્યાલયનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરમંચ પરથી તંત્રને સાફ સફાઈને લઈને ટોણો માર્યો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જાહેર મંચ પરથી ટોણો મારતા કહ્યું “અહીંયા આવતા હતા ત્યારે કે સફાઇ બઉં સરસ થઇ ગઇ છે, સંસ્કારી નગરી છે એટલે સ્વચ્છતાનો સ્વભાવ આપણા સંસ્કારમાં લાવવો જ પડે, સી.એમ આવે છે, પી.એમ આવે છે, ત્યારેજ સફાઇ થાય એવું નથી જોઇતું”મહત્વનું છે કે, આમ તો વડોદરાની પ્રજા કાયમ બુમો પાડે છે કે, જ્યારે મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી આવવાના હોય ત્યારે જ મહાનગર પાલિકા કુંભકરણની નિંદ્રામાંથી જાગી કામે લાગે છે. જોકે વડોદરાની પ્રજાની આ વાતને હજી સુધી કોઇ ગણકારતું ન્હોતું,અધિકારીઓ તો એમજ સમજતા મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને શું ખબર પડશે કે, તેમના સ્વાગત ટાણે જ અમે આટલી સ્વચ્છતા જાળવીયે છે ? પરંતુ હવે તો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પણ ખબર પડી ગઇ કે વડોદરામાં CM-PM આવવાના હોય ત્યારે જ સ્વચ્છતા અભિયાન ઉપાડવામાં આવે છે.

શું તંત્ર મુખ્યમંત્રીની આ ટકોર ધ્યાને લેશે ?

તાજેતરમાં જ એક વીડિયો સામે આવ્યો હતો જેમાં દુર્ગંધથી ભરપૂર ખુલ્લી વરસાદી કાંસ અને ઝુપડાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોઇ ન જાય તે માટે વડોદરા મહાનગર પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમ સ્થલ નજીક અંદાજીત 500 મીટર લાંબી અને 20 ફુટ ઊંચી લોખંડની દિવાલ ઉભી કરી દેવામાં આવી હતી. પાલિકા પીએમ અને સીએમ અગાળ પોતાનું સારુ લગાડવા માટે દેખાડો કરે છે પરંતુ ક્યાંકને ક્યાંક તેઓ હકીકત જાણતા જ હોય છે પરંતુ પહેલી વાર તેમણે જાહેરમાં આવી રીતે ઉલ્લેખ કર્યો છે. અગાઉ પણ જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે કહ્યુ હતુ કે, ‘વડોદરા બીજા શહેરો કરતા કેમ પાછળ રહી ગયું છે તેના કારણો તપાસવા જોઈએ.’ જો કે મુખ્યમંત્રીની હળવા અંદાજમાં કહેલી વાત તંત્ર પણ ધ્યાને આપતું નથી અને પરિસ્થિતિ જેવી છે તેવીને તેવી જ રહે છે વડોદરાની જનતા તંત્ર સામે અનેક વખત ફરિયાદ કરતી હોય છે પરંતું નઘરોળ તંત્રને કોઈ જ ફરક પડતો નથી. આ કાર્યક્રમમાં બેઠેલા અધિકારીઓ  પણ  મુખ્યમંત્રીની ટકોર પર શરમ અનુભવવાને બદલે હળવા અંદાજમાં કહેલી વાત પર હસી રહ્યા છે. અધિકારીઓ તાળીઓ પાડતા અને હસતા જોવા મળ્યા હતા.  ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારમાંથી કરોડો રૂપિયાની વિકાસના કામ અર્થે ગ્રાન્ટ મળતી હોય અને મહાનગર પાલિકા પાસે પણ પોતાની તિજોરી છે.તેમ છતાંય કહેવાતી સ્માર્ટ સિટી વડોદરાની આવી હાલત હોય તો તંત્ર  મુખ્યમંત્રીની આ ટકોરને કેટલી ધ્યાને લે છે તે જોવું રહ્યું.

આ પણ  વાંચો :  Vadodara : રાત્રે ચા પીવા નિકળેલા યુવકો પર ટોળાએ કર્યો હુમલો, 1 યુવકનું મોત , પરિવારજનોએ પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

Read More

Trending Video