Anand : ગુજરાતમાં એક તરફ તહેવારો ચાલી રહ્યા છે બીજી તરફ અસામાજિક તત્વો દ્વારા રાજ્યમાં શાંતિને ડહોળવાના પ્રયાસ કરવામા આવી રહ્યા છે. તાજેતરમાં સુરતમાં (surat) ગણેશ પંડાલ પર પથ્થરમારો થયો હતો જે બાદ કચ્છ, વડોદરા (vadodara) અને ભરુચમાંથી (Bharuch) પણ આવી જ એક ઘટના સામે આવી હતી ત્યારે આજે ફરી એક વાર જુથ અથડામણની (groups Clash) ઘટના સામે આવી છે. આ ઘટના સામે આવતા પોલીસ પણ દોડતી થઈ હતી. જો કે આ પથ્થરમારો એક જ કોમના બે જૂથો વચ્ચે થઈ હતી. અને તેનું કારણ જે જાણવા મળી રહ્યું છે તે ચોંકાવનારુ છે.
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં જૂથ અથડામણ
મળતી માહિતી મુજબ વિદ્યાનગર ખાતે આવેલ હરીઓમનગર વિસ્તારમાં ગત રાત્રીના સમયે પથ્થરમારાની ઘટના બની હતી જેમાં ટોળાએ એક યુવક ઉપર લાકડીઓ તેમજ લોખંડની પાઈપ વડે જીવલેણ હુમલો કર્યો હતો તેમજ ટોળાએ પથ્થરમારો પણ કર્યો હતો. આ ઘટનામાં યુવકને ગંભીર ઈજા પહોંચી છે. આ ઘટના અંગેની જાણ થતાં વિદ્યાનગર પોલીસની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો તેમજ વિદ્યાનગર પોલીસે હુમલાખોર ટોળા વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ઘટના પાછળનું ચોંકાવનારું કારણ આવ્યું સામે
પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, આણંદ તાલુકાના વિદ્યાનગરમાં રહેતાં ધવલ ઉર્ફે બોબો ગોપાલભાઇ માછીએ પોતાના વિસ્તારમાં રહેતાં એક મહિલાના ઘરે અવારનવાર જતાં ઘનશ્યામભાઈ વિઠ્ઠલભાઈ ભરવાડને ગત રાત્રીના સમયે ઠપકો આપ્યો હતો. ત્યારે આ બાબતે ઉશ્કેરાયેલા ઘનશ્યામ ભરવાડે ફોન કરીને પોતાના સાગરીતોને ત્યાં બોલાવ્યાં હતાંજેથી પાંચેક અજાણ્યાં ઈસમો હાથમાં લાકડીઓ તેમજ લોખંડની પાઈપો લઈને તુરંત જ સ્થળ પર દોડી આવ્યાં હતાં અને ધવલ માછી સાથે બોલાચાલી કરી હતી જે બાદ આ મામલો બિચક્યો હતો અને ઉશ્કેરાયેલા ઘનશ્યામભાઈ ભરવાડે હાથમાંની લોખંડની પાઇપ વળે ધવલ પર હુમલો કરતા તેને માથાના ભાગે ઈજા પહોંચી હતી ત્યારે બુમાબુમ થતાં આસપાસના રહીશો સ્થળ પર દોડી આવ્યાં હતાં.જેથી ઉશ્કેરાયેલા ટોળાએ પથ્થરમારો શરુ કરી દીધો હતો. આ ઘટનામાં ત્રણ બાઈકોને નુકશાન પહોંચ્યું છે.હાલ તો પ્રેમ પ્રકરણમાં બે જૂથ વચ્ચે અથડામણ થયાની આશંકા છે.જો કે વિદ્યાનગર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : ‘આંદોલનકારીઓ પર હુમલાનું ષડયંત્ર ઘડાઈ રહ્યું છે ‘TMC નેતા કુણાલ ઘોષનો ચોંકાવનારો દાવો , પોલીસે જાહેર કરી માર્ગદર્શિકા