chotila: આજથી શારદીય નવરાત્રિનો (Navratri) પ્રારંભ થયો છે ત્યારે નવરાત્રીના પ્રથમ દિવસે જ ગુજરાતના વિવિધ શક્તિપીઠોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ત્યારે આજે સુપ્રસિદ્ધ નવરાત્રીના પ્રથમ નોરતે ચોટીલા ચામુંડા માતાજીના સાનિધ્યમાં ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો.અહીં ચામુંડા માતાજીના મંદિરના સવારે 4:30 વાગ્યે દ્વારકા ખોલી 5:00 વાગ્યે વિશેષ આરતી કરવામાં આવી હતી.આ સાથે નવરાત્રીના તહેવારને લઈને ચામુડા માતાજીને વિશેષ શણગાર પણ કરવામા આવ્યો હતો. ત્યારે મા ચામુડાના દર્શન કરવાનો લ્હાવો લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.
ચોટીલામાં ચામુંડા માતાજીના સાનિધ્યમાં ભક્તોનો ઘોડાપુર ઉમટ્યું
મહત્વનું છે કે, નવરાત્રિના તહેવારને લઈને મોટી સંખ્યામાં માઇભક્તો આવતા હોય છે. ત્યારે આ નવરાત્રી નિમિત્તે શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ દરમિયાન સમયમાં ફેરફાર કરવામા આવ્યો છે. તેમાં આજથી 11 ઓક્ટોમ્બર સુધી ડુંગર પર ચડવાના દ્વાર 4:30 કલાકે સવારે ખોલવામાં આવશે. સવારની આરતી પાંચ વાગ્યે અને સાંજની આરતી રાબેતા મુજબ સૂર્યાસ્તના સમયે થશે. આ સાથે 10 ઓક્ટોબર દશમના દિવસે હવાનાષ્ટમી યજ્ઞ ડુંગર પર યોજાશે અને ચાર વાગ્યે બીડું હોમાશે.
યાત્રિકો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી
નવરાત્રી દરમિયાન ચોટીલામાં મોટી સંખ્યામાં ભક્તો ચામુડા માતાજીના દર્શન કરવા આવતા હોય છે તેને જોતા મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે નવરાત્રીના નવ દિવસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટે તેવી શક્યતા છે, ત્યારે ભક્તોની સુવિધા માટે તંત્ર દ્વારા પણ યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
નવરાત્રીના પર્વને લઈ જિલ્લા વાસીઓમાં અનેરો આનંદ
નવરાત્રીના પર્વને લઈ જિલ્લા વાસીઓમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારથી જિલ્લા ભરના માતાજીના મંદિરોમાં દર્શન માટે ભક્તોની ભીડ જામી છે. આજથી નવરાત્રીની પ્રથમ રાત્રે માતાજીની આરાધના સાથે ખેલૈયાઓ ગરબે ઘૂમશે ત્યારે છેલ્લી ઘડીએ બજારમાં ખરીદીની પણ ભીડ લાગી છે.
આ પણ વાંચો : પૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન પર ક્રિકેટમાં ભ્રષ્ટાચારનો આરોપ, EDએ મોકલ્યું સમન્સ, જાણો સમગ્ર મામલો