Chotaudepur: પૂર્વ સાંસદ રામસિંગ રાઠવાના (MP Ramsingh Rathwa) ભત્રીજાની ગોળી મારી હત્યા કરી દેવાની ઘટના સામે આવી છે. જેમાં પૂર્વ સાંસદ અને ટ્રાયફેડના ચેરમેન રામસિંહ રાઠવાના ભત્રીજા ઉપર ફાયરિંગ થતા મોત નિપજ્યું છે. આ ઘટના કવાંટ તાલુકાના પીપલદી ગામે બની હતી. જેમાં રામસિંહ રાઠવાના નાના ભાઈ જામસિંહ રાઠવાના પુત્ર કુલદીપનું મોત નિપજ્યું છે. આ મામલે પોલીસ ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી છે. હત્યા પાછળ જૂની અદાવત હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.
પૂર્વ સાંસદ રામસિંગ રાઠવાના ભત્રીજાની હત્યા
મળતી માહિતી મુજબ પીપલદી ગામે ગોળી મારી હત્યા નિપજાવવા મામલે ગામના જ બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોધાઈ છે.જેમાં આરોપી શંકર સનજી રાઠવા અને અમલા રેવજી રાઠવા બાઈક ઉપર આવી શંકર રાઠવાએ મૃતક કુલદીપ ઉપર ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યુ છે. જો કે, આરોપી હાલ ફરાર છે. જાણવા મળી રહ્યુ છે કે, આરોપી શંકર રાઠવા નિવૃત આર્મી જવાન છે. અગાઉ ગ્રામપંચાયતની ચૂંટણીમાં થયેલ શંકર રાઠવાની મૃતક સાથે થયેલ ઝગડાની અદાવત રાખી હત્યા કરી હતી. તમને જણાવી દઈએ કે, મૃતક કુલદીપ રાઠવા ટ્રાઈફેડના ચેરમેન અને પૂર્વ સાંસદ રામસિંગ રાઠવાનો ભત્રીજો થાય છે. હાલ મૃતદેહને PM અર્થે કવાંટ હોસ્પિટલમાં ખસેડાયો છે.