Chinese Garlic : ગુજરાતમાં જેટલું સૌરાષ્ટ્રના રાજકારણનું મહત્વ છે, તેટલું જ સૌરાષ્ટ્રમાં ગોંડલ માર્કેટયાર્ડ નું મહત્વ છે. ગોંડલ માર્કેટયાર્ડની ગુજરાતના સૌથી મોટા માર્કેટયાર્ડમાં ગણતરી થાય છે. ત્યારે 2 થી 3 દિવસ પહેલા ગોંડલ માર્કેટયાર્ડમાં ચાઈનીઝ લસણના 30 કટ્ટા એટલે કે 600 કિલોથી વધુનું લસણ માર્કેટયાર્ડમાં મળી આવ્યું હતું. ચાઈનીઝ લસણ મળવાથી માર્કેટયાર્ડ ના સત્તાધીશો દોડતા થયા હતા. ચાઈનીઝ લસણ દેશમાં પ્રતિબંધ હોવા છતાં ગોંડલમાં કેવી રીતે મળ્યું, તેના વિરોધમાં લસણના વેપારીઓએ આજે માર્કેટયાર્ડમાં વિરોધ કર્યો હતો. જેમાં સૌરાષ્ટ્રના ખેડૂતો આ વિરોધમાં જોડાયા હતા.
ગોંડલના ખેડૂતોએ ચાઈનીઝ લસણનો નોંધાવ્યો વિરોધ
ગોંડલ માર્કેટયાર્ડમાં ચાઈનીઝ લસણ મળવાથી સમગ્ર ભારત દેશના માર્કેટ યાર્ડના લસણના વેપારીઓ દ્વારા લસણની હરાજી બંધનું એલાન અપાયું હતું. ત્યારે આજે ગોંડલમાં માર્કેટયાર્ડમા લસણના વેપારીઓ દ્વારા એક દિવસ હરાજી બંધ રાખી વિરોધ કરવામાં આવ્યો હતો. લસણના વેપારીઓ, સાથે કમિશન એજન્ટ એસોસિએશન અને ખેડૂતો પણ વિરોધમાં જોડાયા હતા.અને ચાઈનીઝ લસણ બંધ કરોના પોસ્ટર હાથમાં રાખીને, સાથે જ સુત્રોચાર કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
જામનગરમાં ખેડૂતો ચાઈનીઝ લસણના વિરોધમાં આંદોલન પર
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ચાઇનાથી આયાત થતા લસણના કારણે સ્થાનિક ખેડૂતો અને વેપારીઓની આજીવિકા પર પડેલી અસરને પગલે વિશાળ આંદોલન સર્જાયું છે. સ્થાનિક બજારમાં ચાઈનીઝ લસણના પ્રવેશથી ભાવમાં ભારે ઘટાડો થતાં ખેડૂતોને પોતાના ઉત્પાદન માટે યોગ્ય ભાવ ન મળતાં આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઈનીઝ લસણ મળી આવતા હવે દરેક જગ્યાએ આ મામલે વિરોધ જોવા મળી રહ્યો છે.
આ સમસ્યા સામે હાપા યાર્ડમાં એકઠા થયેલા વેપારીઓએ ચાઈનીઝ લસણનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. તેમણે સૂત્રોચ્ચાર કરીને ચાઈનીઝ લસણને ભારતમાં પ્રવેશવાથી રોકવાની માંગ કરી છે. વેપારીઓનું માનવું છે કે ચાઇનાથી આવતું લસણ ગેરકાયદેસર રીતે ભારતમાં લાવવામાં આવે છે અને તેનાથી સ્થાનિક ઉત્પાદકોને ભારે નુકસાન થાય છે.
ચાઈનીઝ લસણના વિરોધમાં વેપારી અસોસિએશનના પ્રમુખે શું કહ્યું ?
અમે ચાઈનીઝ લસણ ના વિરોધમાં અમે ખેડૂતો સાથે જોડાયા છીએ. ચાઈનીઝ લસણ આવવાથી ખેડૂતોને ભારે નુકસાન થાય છે. ચાઈનીઝ લસણના ફોતરાં ઉપર બ્લીચ કરેલું હોય છે, સાથે જ તેમાં કેમિકલ હોય છે. ચાઈનીઝ લસણ લોકોના સ્વાસ્થ્ય માટે પણ ખરાબ હોય છે. તેટલા માટે ભારત સરકારે 2006માં તેમાં પ્રતિબંધ મુક્યો હતો.
આ પણ વાંચો : Ahmedabad : અમદાવાદના ડોન ધમા બારડની દુર્દશા, પોલીસે કેવી રીતે ઉતારી આ ડોનની ચરબી ?