Chhotaudepur: ગુજરાતમાં તાજેતરમાં ભૂતિયા શિક્ષકોના ઘણા કિસ્સાઓ સામે આવ્યા જે બાદ ગુજરાતમાં શિક્ષણની સ્થિતિને લઈને સવાલો ઉઠી રહ્યા હતા. શિક્ષકોની આ લાલિયાવાડી ત્યારે ચાલતી હોય છે જ્યારે તંત્ર નિદ્રાધીન હોય અથવા તો તેમની રહેમનજરથી આવું ચાલતું હોય. ત્યારે રાજ્યમાં આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં આદિવાસી બાળકોના શિક્ષણને લઈને તંત્ર નિદ્રાધીન હોવાથી શિક્ષકો પણ લાલીયાવાડી કરી રહ્યા છે. ત્યારે છોટાઉદેપુરમાં આદિવાસી વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની લાલીયાવાડીના કારણે આદિવાસી બાળકો પાયાના શિક્ષણથી વંચિત છે.
શિક્ષણ શાળાએ ના આવતા 20 દિવસ શાળા રહી બંધ
મળતી માહિતી મુજબ નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલી માથાજુલધાની પ્રાથમિક શાળામાં 18 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે જયારે ધોરણ 1 થી 5 ના વર્ગો ચાલે છે અને આ શાળામાં એક જ શિક્ષક ચૌધરી દિપકભાઈ લાલજીભાઈ ફરજ બજાવે છે જયારે 23.08.2024 ના રોજ થી આ શિક્ષક કોઈ પણ રજા રિપોર્ટ કે કોઈ પણ અધિકારીને જાણ કર્યા વગર શાળામાં સતત ગેરહાજર હતા. જેને લઇ 20 દિવસ સુધી શાળા બંધ રહી હતી જેને લઇ ગ્રામજનો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આ બાબતે રજૂઆત કરતા ત્યાર બાદ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઊંઘમાંથી જાગી બીજા શાળાઓમાંથી શિક્ષક મોકલી શાળા શરૂ કરાવવામાં આવી હતી.
બાજુની શાળામાંથી શિક્ષક પણ મોડા આવતા બાળકો ઘરે જતા રહે છે ઘરે
ત્યારે સ્થિતિ એવી છે કે, આસપાસની શાળાઓમાંથી શિક્ષકો મોડે મોડે આવતા હોવાથી બાળકો ઘરે જતા રહે છે ગુરૂવારના રોજ તરોલ પ્રાથમિક શાળામાંથી શિક્ષક આ શાળામાં મુકવામાં આવ્યા હતા પરંતુ તે શિક્ષક પણ શાળાએ સમયસર આવ્યા ના હતા જયારે આદિવાસી વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં આ રીતના શિક્ષકોની લાલીયાવાડી ચાલી રહી છે છતાંય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી આવા શિક્ષકો સામે કોઈ પણ પગલાં ભરતા નથી જેની અસર આદિવાસી ગરીબ બાળકોના પાયાના શિક્ષણ ઉપર અસર પડી રહી છે
તંત્રના અંધેર વહીવટના કારણે આદિવાસી બાળકો શિક્ષણથી વંચિત!
શાળામાં ઓનલાઇન હાજરી પૂરવાની સિસ્ટમ બનાવામાં આવી છે અને શાળાઓમાં ગ્રુપ આચાર્યને પણ વિઝીટ કરવાની હોય છે છતાંય વીસ વીસ દિવસો સુધી શાળાઓ બંધ રહે છે છતાંય અધિકારીઓને ધ્યાન આપતા નથી અને શાળાની મુલાકાતમાં પણ લેતા નથી આવા અંધેર વહીવટના કારણે આદિવાસી બાળકો શિક્ષણથી વંચિત રહી જતા હોય છે જયારે ગ્રામજનો જાણ કરે તો અધિકારીઓ જાગે છે ત્યાં સુધી અધિકારીઓ ઓફિસોમાં જ બેસી રહેતા હોય છે આટલા દિવસો સુધી શિક્ષક શાળાએ ના આવતો હોવા છતાંય અધિકારીઓ કોઈ પણ પગલાં ભર્યા નથી અને શિક્ષકોને અધિકારીઓ છાવરી રહ્યા હોય તેનો વરવો નમૂનો સામે આવ્યો છે હાલ તો આવા વહીવટથી ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે જયારે આ શાળામાં છેલ્લા 4 માસથી લાઇટો પણ નથી વીજ લાઈનમાં ફોલ્ટ સર્જાતા રીપેર ના થતા હાલ બાળકો ગરમીમાં શેકાઈ રહ્યા છે. ત્યારે આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની સ્થિતિ કેટલી કથળેલી છે તેનો આના પરથી અંદાજ લગાવી શકાય છે. ત્યારે અધિકારી આવા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરે જેથી શાળામાં શિક્ષકો આવી લાલીયાવાડી ન કરે તે જરુરી બન્યું છે.ત્યારે હવે તંત્ર ક્યારે જાગે છે અને આવા શિક્ષકો સામે ક્યારે કાર્યવાહી કરે શિક્ષણ વિભાગ ક્યારે પગલાં લેશે? તે જોવું રહ્યું..
આ પણ વાંચો : ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો,છેલ્લા 24 કલાકમાં રાજ્યના 212 તાલુકામાં મેઘમહેર