Chhota Udepur જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ હાંલ્લી ગામની પ્રાથમિક શાળાના નવા વર્ગખંડોના બાંધકામમાં લાંબા સમયથી વિલંબ થતાં ધોરણ 1થી 5માં અભ્યાસ કરતા આશરે 17 જેટલા આદિવાસી વિદ્યાર્થીઓને હાલ ખાનગી આવાસમાં અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે. સર્વ શિક્ષા અભિયાન હેઠળ શાળાના જર્જરિત ઓરડા તોડી પાડવામાં આવ્યા હતા, પરંતુ નવા ઓરડાઓનું બાંધકામ હજુ સુધી શરૂ થયું નથી.
મળતી માહિતી મુજબ શાળાના બાંધકામનો કોન્ટ્રાક્ટ મળ્યા બાદ પણ કોન્ટ્રાક્ટરે કામગીરી શરૂ કરી નથી. વિભાગના એન્જિનિયરોએ કોન્ટ્રાક્ટરને બે જેટલી નોટિસો પાઠવી હોવા છતાં સ્થળ પર કોઈ કામગીરી જોવા મળી નથી. પરિણામે શાળાના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજનના સંચાલક રાઠવા રતનભાઈ સોમજીભાઈના આવાસમાં અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે.
અપૂરતી સુવિધાઓ વચ્ચે શિક્ષણ
જે આવાસમાં બાળકો ભણે છે ત્યાં માત્ર એક ટેબલ પંખો અને એક લાઇટની વ્યવસ્થા છે. ગરમી અને અપૂરતી સુવિધાઓ વચ્ચે વિદ્યાર્થીઓને અભ્યાસ કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત આવાસમાં શૌચાલય ન હોવાથી વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને શૌચક્રિયા માટે બહાર જવું પડે છે. આવી સ્થિતિ શિક્ષણની ગુણવત્તા અને વિદ્યાર્થીઓના આરોગ્ય બંને માટે ચિંતાજનક માનવામાં આવી રહી છે.
મધ્યાહન ભોજન પણ એ જ રૂમમાં
વિદ્યાર્થીઓ જ્યાં અભ્યાસ કરે છે, તે જ નાના રૂમમાં મધ્યાહન ભોજનનો નાસ્તો પણ તૈયાર કરવામાં આવે છે. એક જ જગ્યાએ રસોઈ અને અભ્યાસ બંને ચાલતા હોવાથી આગ સહિતની દુર્ઘટનાનો ભય પણ ઉભો થયો છે. બાળકોની સલામતી અને સ્વચ્છતા અંગે પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.
વિકાસના દાવા સામે વાસ્તવિકતા
એક તરફ સરકાર શિક્ષણ અને ગ્રામ વિકાસના દાવા કરી રહી છે, જ્યારે બીજી તરફ હાંલ્લી ગામના વિદ્યાર્થીઓને શાળાના મકાન જેવી પાયાની સુવિધાથી વંચિત રહેવું પડી રહ્યું છે. આ પરિસ્થિતિ વિકાસના દાવાઓ અને જમીની હકીકત વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરે છે.
સ્થાનિક ગ્રામજનો અને વાલીઓએ જિલ્લા પ્રશાસન તેમજ શિક્ષણ વિભાગને કોન્ટ્રાક્ટર સામે જરૂરી કાર્યવાહી કરીને શાળાના નવા વર્ગખંડોનું બાંધકામ તાત્કાલિક શરૂ કરાવવાની માંગ કરી છે, જેથી બાળકોને સુરક્ષિત અને યોગ્ય શૈક્ષણિક વાતાવરણ મળી શકે.
આ પણ વાંચો : Chhota Udના કેવડી ગામે ધોવાયેલો કોઝવે બન્યો જીવનું જોખમ, ગ્રામજનોએ તંત્રને જગાડવા કર્યા ઉગ્ર સૂત્રોચ્ચાર