Chhota Udepur : ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે છોટા ઉદેપુર જિલ્લાની મુલાકાતે છે. જે દરમિયાન તેમણે આજે તેઓએ સ્થાનિક લોકોની રજૂઆતને ધ્યાને લઈને તેઓ છોટાઉદેપુર જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ત્યારે તેમણે આ હોસ્પિટલમાં દર્દીઓની સમસ્યાઓ, તબીબોની સમસ્યાઓ અને હોસ્પિટલની સુવિધાઓ વિશે સ્ટાફ સાથે ચર્ચા કરી હતી. સાથે જ ત્યાં દવાઓ અને બાકી અન્ય જરૂરિયાતની વસ્તુઓ ઉપલબ્ધ છે કે નહિ તેના વિષે પણ નિરીક્ષણ કર્યું હતું.
હોસ્પિટલની મુલાકાતને લઈને ચૈતર વસાવાએ કહ્યું કે, મુલાકાત દરમિયાન રજીસ્ટાર-હાજરી પત્રકો ચેક કર્યા અને કેટલોક સ્ટાફ હાજર ન હોવાની બાબતો ધ્યાને આવી, અને આ બાબતે ઉપલા અધિકારીને જાણ કરવામાં આવી છે. હોસ્પીટલમાં પૂરતા ટેકનીશીયનો નથી, સ્ટાફ નર્સ પણ ટ્રેનીંગમાં છે. અને જે સ્ટાફ છે તેઓ ખુબ મહેનત કરે છે અને સારા પ્રયાસો કરે છે પણ, પૂરતા મહેકમના અભાવે અહીના લોકો ખુબ જ હાલાકીનો સામનો કરી રહ્યા છે. એક્સ-રે મશીન પણ બંધ હાલતમાં જોવા મળ્યું. સિકલસેલ-એનીમિયા ચકાસણી મશીન પણ બંધ હાલતમાં જોવા મળ્યું.
વધુમાં તેમણે જણાવ્યું કે, આ હોસ્પિટલમાં આંખના ડોક્ટર પણ નથી, સોનોગ્રાફી ના સાધનો પણ બંધ હાલતમાં પડેલ હોવાની વિગતો સામે આવી. આદિજાતીનું દર વર્ષે કરોડોનું બજેટ હોવા છતા, આરોગ્ય વિભાગનું બજેટ આવતું હોવા છતાં, અનેક જગ્યાઓ ખાલી છે. જે ખુબ જ દુઃખદ બાબત છે. જે એજન્સીઓ કરાર આધારિત સ્ટાફની ભરતી કરે છે. તેઓનું પણ ધ્યાન આપવામાં આવતું નથી. આ કર્મચારીઓને સમયસર પગાર પણ મળતો નથી. અને તેઓનું શોષણ કરવામાં આવે છે. દર્દીઓને નાની નાની સારવાર માટે પણ બરોડા તરફ જવું પડે છે. ફરજ પર ના અધિકારીઓ સમયસર દવાખાને હાજર રહે તે માટે ઉપલા અધિકારીને ધારાસભ્ય ચૈતર વસાવા દ્રારા રજૂઆત કરવામાં આવી છે.