Chandipura virus :ગુજરાતમાં (Gujarat) ચાંદીપુરા વાયરસ (Chandipura virus) ઝડપથી વધી રહ્યો છે , અત્યાર સુધીમાં આ વાયરસના કારણે 33 લોકોના મોત થયા છે જ્યારે 71 શંકાસ્પદ કેસ નોંધાયા છે . ગુજરાતના 23 જિલ્લા આ વાયરસથી પ્રભાવિત છે.
રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી શંકાસ્પદ મૃત્યુઆંક 32 પર પહોંચ્યો
પ્રાપ્ત જાણકારી મુજબ ગુજરાતમાં રવિવારે ચાંદીપુરા વાયરસના 13 નવા શંકાસ્પદ કેસ નોંધાયા અને પાંચ લોકોના મોત થયા. રાજ્યના આરોગ્ય વિભાગે આ માહિતી આપી છે. તાજેતરના કેસ સાથે, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પુષ્ટિ અને શંકાસ્પદ કેસની સંખ્યા 84 પર પહોંચી ગઈ છે, જ્યારે મૃત્યુઆંક 33 પર પહોંચી ગયો છે.
અમદાવાદમાંથી બે, અરવલીમાં બે, બનાસકાંઠામાંથી બે, સુરેન્દ્રનગરમાંથી એક, ગાંધીનગરમાંથી એક, ખેડામાંથી એક, મહેસાણામાંથી એક, નર્મદામાંથી એક, વડોદરામાંથી એક અને રાજકોટમાંથી એક નવા શંકાસ્પદ કેસ નોંધાયા છે.
આરોગ્ય વિભાગે આપી માહિતી
રાજ્યના આરોગ્ય વિભાગે એક નિવેદનમાં જણાવ્યું છે કે ચાંદીપુરા વાયરસને કારણે શંકાસ્પદ પાંચ મૃત્યુ પૈકી મહિસાગર, ખેડા અને વડોદરામાં એક-એક અને બનાસકાંઠામાં બે મૃત્યુ થયા છે. પુણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) એ શનિવારે ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના નવ કેસની પુષ્ટિ કરી છે. આરોગ્ય વિભાગે કહ્યું કે રવિવારે રાજ્યમાં કોઈ નવા કેસની પુષ્ટિ થઈ નથી. તમામ શંકાસ્પદ કેસોના સેમ્પલ NIVને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.
ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ એકશનમાં
ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ એકશનમાં આવ્યુું છે. તંત્ર દ્વારા 19,000 ઘરોમાં સર્વેલન્સ અને અસરગ્રસ્ત વિસ્તારોમાં 1.16 લાખ ઘરોમાં પાવડરનો છંટકાવ કર્યો. નિવેદન અનુસાર, દરેક કેસની ઝડપી પ્રતિક્રિયા ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને લોકોને વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો : Vadodara :ભૂતાનના રાજા અને પ્રધાનમંત્રી આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળશે