Chaitar Vasava : છેલ્લા થોડા દિવસથી જે મુદ્દે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી મેદાને આવ્યા હતા. જીગ્નેશ મેવાણીએ IAS નેહા કુમારી પર આક્ષેપો કર્યા હતા. અને કહ્યું હતું કે મહીસાગર કલેક્ટર નેહા કુમારીએ જાહેરમાં દલિત યુવાનને અસંવૈધાનિક શબ્દો બોલી અને ગુનો આચાર્યો છે. અને દલિત સમાજ પર આ પ્રકારની ટિપ્પણી મામલે IAS નેહા કુમારી (IAS Neha Kumari) વિરુદ્ધ એક્શન લેવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. તેમની સાથે હવે આદિવાસી નેતાઓ પણ જોડાયા છે. ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે સ્વાભિમાન સંમેલનમાં જોડાયા હતા.
આજે મહીસાગરના કલેક્ટર નેહા કુમારીના વિવાદિત નિવેદનના વિરોધમાં આક્રોશ દર્શાવવા માટે આજે આદિવાસી સમાજ દ્વારા સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) સહિત અનેક ધારાસભ્યોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમ કરવા માટે પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી નહોતી. તેમ છતાં પણ ધારાસભ્ય ચૈતર વસાવા સહિત અનેક આગેવાનોની સાથે સાથે હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો સભા સ્થળે પહોંચ્યા હતા.
સંમેલનમાં ચૈતર વસાવાએ શું કહ્યું ?
ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava)એ કહ્યું હતું કે, ડૉ. બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિવસ નિમિત્તે આજે સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ પ્રશાસનની તાનાશાહી હોવા છતાં પણ હજારોની સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં આવ્યા તે તમામને હું સલામ કરું છું. પોલીસ પ્રશાસન આ કાર્યક્રમના સાઉન્ડ સિસ્ટમ અને માઇકને પણ ઉઠાવીને લઈ ગયા છે. હું તેમને કહેવા માંગીશ કે તમે ગમે તેટલા પ્રયાસ કરી લો, પરંતુ તમે દલિત, આદિવાસી, ઓબીસી અને માઈનોરીટીના અવાજને દબાવી શકવાના નથી. બાબા સાહેબે આપેલા સંવિધાનની શક્તિનો આ અવાજ છે માટે તમે આવાજને ક્યારેય પણ દબાવી શકશો નહીં.
અમારી લડાઈ દલિત વિરોધી માનસિકતા ધરાવતા અધિકારીઓ સામે
વધુમાં તેમણે કહ્યું કે, અમારી આ આજની લડાઈ ફક્ત એક કલેક્ટર નેહા કુમારી સામે નથી પરંતુ અમારી લડાઈ દલિત અને આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા ગુજરાતના અને તમામ દેશના અધિકારીઓ સામેની લડાઈ છે. અને આવા અધિકારીઓને બચાવનાર ભાજપ સરકાર સામે પણ અમારી લડાઈ છે. સરકાર જો આ અધિકારીઓને બચાવવાનું કામ કરશે તો આવનારા સમયમાં આદિવાસી વિસ્તારમાં એક પણ સરકારી કાર્યક્રમ નહીં થવા દઈએ. આ વિસ્તારના કે રાજ્યના નહીં પરંતુ ભાજપના મંત્રી આ કલેક્ટરને બચાવવા માટે હવાતિયા મારી રહ્યા છે. મોટા મોટા તાઈફા કરનાર આદિજાતિ મંત્રી કુબેર ડીંડોર પણ અમારી વાત સાંભળી લે, અમારા બાળકોને શિષ્યવૃત્તિ આપવા માટે ફંડ નથી પરંતુ તમે તાઈફાઓ કરવામાં કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહ્યા છો.
અમે ફક્ત નેહા કુમારી સામે નહીં પરંતુ સમગ્ર સિસ્ટમ સામે લડી રહ્યા છીએ અને હવે સંવિધાન બચાવવાનો સમય આવી ગયો છે. નેહા કુમારી વિરુદ્ધ ખાતાકીય તપાસ નહીં થાય અને તેમને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી નહીં થાય તો હું ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણીને કહેવા માંગીશ કે આવનાર સમયમાં ગાંધીનગરમાં કાર્યક્રમ ગોઠવો અને હજારોની સંખ્યામાં આપણે આ આ મુદ્દે પ્રદર્શન કરીશું. માત્ર મહીસાગર જીલ્લો નહીં પરંતુ, આવનારા દિવસોમાં અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર ગુજરાતના લોકોને હું આવાહન કરું છું કે ગાંધીનગરમાં કાર્યક્રમ ગોઠવો અને નેહા કુમારી જેવી માનસિકતા ધરાવનાર તમામ કલેકટરોને આપણે સસ્પેન્ડ કરાવીશું.
આ પણ વાંચો : Gujarat Police : રાજ્યમાં પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર, આટલી જગ્યાઓ સીધી ભરતીથી આગામી ટૂંક જ સમયમા ભરવામાં આવશે