Chaitar Vasava : ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં હાલ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ગઈકાલે ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા ચૈતર વસાવા પર ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા હતા. અને જે બાદ આજે ધારાસભ્ય ચૈતર વસાવા મેદાને આવ્યા છે અને મનસુખ વસાવાના આક્ષેપો પર વળતો પ્રહાર કર્યો છે. અને ભ્ર્ષ્ટાચારના આરોપો પર મનસુખ વસાવાને અરીસો બતાવ્યો છે.
ચૈતર વસાવાનો મનસુખ વસાવાને સણસણતો જવાબ
ચૈતર વસાવાએ મનસુખ વસાવાને જવાબ આપતા કહ્યું કે, આદિવાસી વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિકની ગ્રાન્ટ ન હોવાનું કારણ દર્શાવીને વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવી ન હતી. અતિ કુપોષણથી પીડાતા બાળકો માટે પણ સરકાર પાસે ગ્રાન્ટ નથી. સિકલ સેલથી પીડાતા આદિવાસી વિસ્તારના લોકો માટે સબસીડીની યોજના હતી પરંતુ માર્ચથી આજ દિન સુધી કોઈને સહાય ચૂકવવામાં આવતી નથી, માત્ર જણાવવામાં આવે છે કે ગ્રાન્ટ નથી. પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં કરોડો રૂપિયાનો ખર્ચ આદિજાતિ વિકાસના ફંડમાંથી કરવામાં આવ્યો.
વધુમાં તેમણે કહ્યું કે, બે મહિનામાં પાંચ મોટા કાર્યક્રમો થયા, જેનો ખર્ચ આદિજાતિ વિકાસ ફંડમાંથી કરવામાં આવ્યો. જ્યારે મેં સવાલ ઉભા કર્યા, ત્યારે જે સાંસદે બિલો અને વાઉચર મુકાવ્યા છે એમના અને એજન્સીઓના પેટમાં તેલ રેડાયું, માટે તેઓ મારા પર ખોટા આક્ષેપો કરી રહ્યા છે. મારા વિરુદ્ધ પુરાવા રજૂ કરવામાં આવે નહીંતર હું માનહાનીનો કેસ કરીશ. જો ભાજપના સાંસદ મારા વિરુદ્ધ પુરાવા નહીં આપે તો અમે માનીશું કે તેમને મનોચિકિત્સક પાસે સારવાર લેવાની જરૂરત છે.
Chaitar Vasava એ મનસુખ વસાવાના તોડબાજીના આરોપો પર જડબાતોડ જવાબ આપી શું કહ્યું સાંભળો?#chaitarvasava #mansukhvasava #dediyapada #aadiwasi #nirbhaynews pic.twitter.com/KYMDWVyODd
— Nirbhaynews (@nirbhaynews1) December 8, 2025
મનરેગા મુદ્દે પુરાવા સાથે મેં કૌભાંડની વાત કરી હતી ત્યારે પણ મનસુખ વસાવાએ આરોપોને નકાર્યા હતા, પરંતુ બાદમાં સાચે જ મનરેગા કૌભાંડ બહાર આવ્યું હતું. મનરેગામાં કોણે કૌભાંડ કર્યું અને કોણે કેટલા રૂપિયા લીધા એનું લિસ્ટ પણ મનસુખભાઈ પાસે આવી ગયું હતું. તો મારી વિનંતી છે કે તમે એ લિસ્ટ તમારી સરકારને આપો, પોલીસને આપો અને કાર્યવાહી કરાવો. ભ્રષ્ટાચાર કરનારાઓનું લિસ્ટ મનસુખભાઈ પાસે આવી ગયું છે તેમ છતાં પણ જો એ લિસ્ટ પોલીસને અને સરકારને આપતા નથી તો મનસુખભાઈએ બીજા કોઈ વ્યક્તિ પર પાયાવિહોણા આક્ષેપ કરવા ન જોઈએ.
નર્મદામાં દસ કરોડનું કમલમ કોના પૈસાથી બનાવ્યું? નર્મદા જિલ્લામાં આંગણવાડી માટે ગ્રાન્ટ નથી, શાળાઓ અને બીજી કોઈ વ્યવસ્થા માટે પણ પૈસા નથી, તો તમે ફાઈવસ્ટાર 10 કરોડનું કમલમ બનાવ્યું એના પૈસા ક્યાંથી આવ્યા? અમે જ્યારે દારૂ અને ડ્રગ્સની વિરુદ્ધ વાતો કરીએ છીએ ત્યારે ભાજપ અને તેમની પોલીસ બુટલેગરોને ઉશ્કેરે છે અને એ બુટલેગરો અમારા નેતાઓ પર હુમલો કરે છે. જો બુટલેગરો વિરુદ્ધ કડક કાર્યવાહી નહીં થાય તો આવનારા દિવસોમાં બુટલેગરો અને ડ્રગ પેડલરો વિરુદ્ધ અમે મોટી કાર્યવાહી કરીશું.
આ પણ વાંચો : Geniben Thakor : થરાદના સંમેલનમાં ઠાકોર સમાજનું નવું બંધારણ તૈયાર, ગેનીબેન ઠાકોરે સમાજને કરી ખુબ મોટી ટકોર