Chaitar Vasava : કેટલાક દિવસ પેહલા જ છોટાઉદેપુરના તૂરખેડા ગામમાંથી એક ઘટના સામે આવી હતી. જેમાં એક પ્રસૂતા મહિલાનું ગામમાં રોડ-રસ્તો ન હોવાથી તેને જોળીમાં લઇ જવી પડી હતી. અને રસ્તામાં જ મહિલાએ બાળકીને જન્મ આપ્યો અને મૃત્યુ પામી હતી. ત્યારે આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા હતા. ત્યારે વિપક્ષના નેતાઓએ પણ આ ઘટનાને વખોડી કાઢી હતી. કોંગ્રેસ અને આપના આદિવાસી સમાજના નેતાઓએ જ્યાં આ ઘટના બની તે મૃત્યુ પામેલી મહિલાના પીડિત પરિવારની મુલાકાત લીધી હતી. ત્યારે કોંગ્રેસ નેતા સુખરામ રાઠવા અને આપના નેતા ચૈતર વસાવાએ સરકાર વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા હતા.
ચૈતર વસાવાએ છોટા ઉદેપુરમાં ભાજપ સરકારને આડે હાથ લીધી
ચૈતર વસાવા આજે છોટાઉદેપુરના તૂરખેડા ગામે પહોંચ્યા હતા. અને પીડિત પરિવારની મુલાકાત લીધી હતી. ચૈતર વસાવાએ પીડિત પરિવારની મુલાકાત પછી કહ્યું કે ” આઝાદીના આટલા વર્ષો બાદ રોડ રસ્તા અને એમ્બ્યુલન્સના અભાવે ગર્ભવતી મહિલાનું મૃત્યુ થયું તે સરકાર માટે શરમજનક ઘટના છે. સરકાર અમૃત મહોત્સવ, મહિલા સશક્તિકરણ, અને સમાનતાની વાત કરે છે. પણ આ વાસ્તવિકતા છે, કે આની પહેલા પણ આવા 4 બનાવો બની ગયેલા છે. સરકાર લોકોના પૈસે તાયફા કરે તેના કરતા રોડ અને રસ્તા બનાવો.
વધુમાં તેમણે કહ્યું કે, આ સ્થળથી 10 કિલોમીટર દૂર વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. ત્યાં રાતો રાત રોડ રસ્તા બની જાય છે. તો આટલા વર્ષો સુધી અહીંયા કેમ નથી બન્યા? પીડિત પરિવારના બાળકોને શિક્ષણ માટે સરકારે મદદ કરવી જોઈએ અને ગામમાં આંગણવાડી અને પ્રાથમિક શાળા નથી તો સરકારે તાત્કાલિક ધોરણે બનાવી આપવી જોઈએ. સરકાર આ બધી સુવિધાઓ નહિ આપે તો ગામ લોકો સાથે અમે આંદોલન કરીશું. અને સરકાર આદિવાસી સમાજનો વિકાસ નહિ કરે તો અમે અલગ ભીલ પ્રદેશની માંગ કરીશુ અને કેવડિયાને રાજધાની બનાવીશું.”
સરકાર માટે આ શરમજનક ઘટના છે, કે રોડ રસ્તાના અભાવે મહિલાનું મૃત્યુ થાય છે. જયારે સરકાર વિકાસના નામે દેશમાં મોટા મોટા બણગા ફૂંકી છે, ત્યારે વરવી વાસ્તવિકતા એ છે કે લોકોને સરકાર પ્રાથમિક જરૂરિયાતો પણ પુરી પાડી શક્યા નથી. તે સરકારે સ્વીકારવું પડશે. અને લોકોની પ્રાથમિક જરૂરિયાતો પુરી થાય તેના માટે સરકારે કામ કરવું પડશે.
આ પણ વાંચો : Chhota Udepur : છોટા ઉદેપુરમાં હાઇકોર્ટના આદેશ બાદ સુતેલી સરકાર જાગી, અંતે રહી રહીને છેવાડાના ગામમાં બનશે રસ્તાઓ