Chaitar Vasava : આપના ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી સમાજના કાર્યક્રમમાં ભીલપ્રદેશને લઈને હંમેશા અવાજ ઉઠાવતા હોય છે. ચૈતર વસાવાની ભીલપ્રદેશની માંગની ભાજપના નેતાઓ વિરોધ કરતા હોય છે, પણ આદિવાસી સમાજના નેતા અને ભાજપમાં જોડાયેલ મહેશ વસાવા પણ હવે ભીલ પ્રદેશની માંગ કરતા જોવા મળી રહ્યા છે. આદિવાસી સમાજની જળ,જંગલ,અને જમીન ને લઈને લોક સંઘર્ષ મોરચાની સભા આજે ઉમરપાડા- સાગબારામાં યોજાઈ હતી. જેમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને મહેશ વસાવા હાજર રહયા હતા, બંને નેતાઓએ ભીલપ્રદેશની માંગણી કરી હતી.
ચૈતર વસાવાએ ભીલપ્રદેશને લઈને શું કહ્યું?
ચૈતર વસાવાએ ભીલપ્રદેશની માંગ કરતા કહ્યું કે, ગુજરાતમાં ઉકાઈ ડેમ, નર્મદા ડેમ, બધા ડેમ બનાવવામાં આદિવાસીએ પોતાની જમીન આપેલી છે. સરકારે કહ્યું કે જમીન ના બદલામાં આદિવાસીઓને સરકારી નોકરી આપવામાં આવશે, જમીનના બદલામાં જમીન પણ આપવામાં આવશે, પણ આદિવાસી સમાજને કઈ પણ મળ્યું નથી. એટલે જ કહી રહ્યો છું, આદિવાસીઓને હવે ભીલ પ્રદેશની જરૂર છે, ભીલપ્રદેશ બનવાથી સમાજને લડવું નહીં પડે. બધા આદિવાસીઓ સાથે મળીને દેશમાં 29મુ રાજ્ય ભીલ પ્રદેશ બનાવીશું. 50 ટકા લોકો પોતાનો ધર્મ રીતરિવાજો, રાજકીય પાર્ટીઓ મૂકીને ભીલપ્રદેશની માંગ કરી રહ્યા છે.
વધુમાં તેમણે કહ્યું કે, નર્મદા ડેમનું પાણી મોટી જીઆઇડીસીઓને આપવામાં આવે છે. કચ્છ સુધી 500 કિલોમીટર પાણી આપવામાં આવે છે, તેનાથી અમને વાંધો નથી, પણ સરકારે, લોકોને કહ્યું હતું, કે જમીન સામે જમીન અને નોકરી આપશે, સિંચાઈને પાણી આપશું, પણ સરકારે આદિવાસીઓને કઈ પણ આપ્યું નથી. જો સરકાર આદિવાસી સમાજને લઈને વિચારશે નહિ તો, અમે નર્મદા કેનાલ બંધ કરવાનું પણ આહવાન કરીશું, અને નર્મદા કેનાલ બંધ પણ કરાવી દઈશું.
મહેશ વસાવાએ શું કહ્યું?
જંગલ ખાતાવાળા જે આદિવાસી વિસ્તારમાં ખાડા ખોદી રહ્યા છે તે વસ્તુ ખોટી છે. જો જંગલ ખાતાવાળા આદિવાસી સમાજને આવી રીતના હેરાન કરશે તો, જંગલ ખાતાના લોકોને આદિવાસી વિસ્તારમાં ઘૂસવા નહીં દઈએ.