Chaitar Vasava ફરી આવ્યા મેદાને, GFL કેમિકલ કંપનીમાં વારંવાર થતા ગેસ લીકેજ મામલે મામલતદારને આપ્યું આવેદન પત્ર

October 3, 2025

Chaitar Vasava : આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા પંચમહાલના મામલતદારને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા. ઘોઘંબા તાલુકામાં GFL કંપનીમાં ગેસ લીકેજની જાણકારી મળી હતી અને આમ આદમી પાર્ટીના સામાજિક આગેવાનો જાણકારી મેળવવા માટે ગયા હતા કોઈ આકસ્મિક ઘટના ઘટી છે કે નહીં, કોઈ કામદારનું મૃત્યુ થયું છે કે નહીં. આજુબાજુના લોકોના શ્વાસ રૂંધાઇ રહ્યા હતા તેમને બળતરા થતી હતી તેમની રજૂઆતને પગલે અમે લોકો ત્યાં ગયા હતા અને ગેટ પર રહીને ઉભા રહીને કહ્યું કે મેનેજમેન્ટ બહાર આવીને અમારી સાથે સ્પષ્ટતા કરે આવી કોઈ આકસ્મિક ઘટના ઘટી છે કે નહીં.

2021 માં પણ ઝેરી ગેસની લીકેજની દુર્ઘટનાને કારણે કામદારોના મોત થયા હતા ભૂતકાળમાં પણ આ કંપનીમાં દુર્ઘટનાઓ સર્જાય છે.કોઈનું મૃત્યુ થાય છે તો માત્ર ત્રણથી સાડા ત્રણ લાખ આપીને આ કંપની છૂટી જાય છે. એ ગંભીરતાને ધ્યાને લઈને આપણા સામાજિક કાર્યકરો આગેવાનો રજૂઆત કરવા માટે ગયા હતા. એ બાબતને લઈને કંપની મેનેજમેન્ટ એ યોગ્ય જવાબ આપ્યો હતો નહીં અને ત્યાં થોડું ઘર્ષણ પણ થયું જેના કારણે પોલીસે મેજિસ્ટ્રેટની પરવાનગીથી લાઠી ચાર્જ કર્યો જેમાં કેટલાક લોકોને ઈજા પણ પહોંચી છે. રસ્તે ચાલનારા લોકો ઉપર પણ લાઠીચાર્જ કરવામાં આવ્યો છે એવી સૂત્રો પાસેથી માહિતી મળી છે. ઘોઘંબા તાલુકો એકદમ શાંત તાલુકો છે અને એમાં શાંતિ જળવાઈ રહે તે જરૂરી છે.

GFL કંપની પાસે યોગ્ય પુરાવો છે કે કેમ? ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સમયાંતરે ઇન્સ્પેક્શન કરે છે કે કેમ? ગ્રીન ટ્રીબ્યુનલ સમયાંતરે રીન્યુ કરવામાં આવે છે કે કેમ? આવા અનેક પ્રશ્નો છે જેથી આ કંપની બંધ કરવામાં એવી અમે માંગણી પણ કરી છે. કંપની દ્વારા જે પણ ઝેરી કેમિકલ યુક્ત પ્રવાહી છોડવામાં આવે છે તેનાથી અહીં ખેતીની જમીનોમાં પણ નુકસાન થઈ રહ્યું છે. અહીંયા ના ભૂગર્ભ જળ પ્રદૂષિત થઈ રહ્યા છે. અહીંયા નદી-નાળાના જળ પ્રદૂષિત થઈ રહ્યા છે. જળ પ્રદૂષણ અને વાયુ પ્રદુષણ ફેલાવતી આ કંપનીમાં તાત્કાલિક ધોરણે ઇન્સ્પેક્શન કરવામાં આવે એવી અમારી માંગણી છે. સેફ્ટી ઇન્સ્પેક્ટર, GPCB ના ઇન્સ્પેક્ટર, ગ્રીન ટ્રીબ્યુનલના ઇન્સ્પેક્ટર તમામ લોકો અહીંયા તાત્કાલિક ધોરણે ઇન્સ્પેક્શન કરે અને આ કંપનીને બંધ કરવામાં આવે એવી મામલતદાર સાહેબને અમે રજૂઆત કરી છે.

પોલીસે 200 થી વધુ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. જેમાં અમને જાણકારી મળી છે કે કેટલાક યુવાઓ ત્યાં ફક્ત જોવા માટે ગયા હતા, કેટલાક લોકો રસ્તેથી પસાર થઈ રહ્યા હતા અને શું ઘટના બની છે તે જોવા ઉભા રહી ગયા હતા તેવા લોકોના નામ પણ આ પોલીસે ફરિયાદમાં નાખી દીધા છે ત્યારે અમે પોલીસ અધિકારી અને પ્રશાસનને કહેવા માંગીએ છીએ કે અમે સંવિધાનમાં માનનારા લોકો છીએ, કાયદો અને વ્યવસ્થામાં માનનારા લોકો છીએ. અમે પોલીસ અધિકારી અને વહીવટી તંત્રને સહકાર આપવા વાળા લોકો છીએ અમે ઘર્ષણમાં પડવા માંગતા નથી. પોલીસવાળા મધરાત્રે જઈને અમારા લોકોને એવી રીતે શોધે છે જાણે અમે કોઈ નક્સલી પ્રવૃત્તિ કરતા હોઈએ, જાણે સરકારને તોડી પાડવાની પ્રવૃત્તિ કરતા હોઈએ, અમારા ઉપર રાજદ્રોહનો ગુનો દાખલ થયો હોય એ પણ દુઃખદ બાબત છે. પોલીસને અમારી નમ્ર વિનંતી છે જે 200 થી વધુ લોકોના નામ ફરીયાદમાં સામેલ છે કેટલાય લોકોની તમે ગાડીઓ જપ્ત કરી લીધી છે આમાં નિર્દોષ લોકો પણ સંડોવાઈ ગયા છે તો એ બાબત પર ધ્યાન આપવામાં આવે.

કંપની ઉપર અને તેના માલિક ઉપર માનવવધનો ગુનો નોંધવામાં આવે અને પોલીસ ફરિયાદ કરવામાં આવે. જેના મુખ્ય કારણો છે કે ગુજરાત રાજ્યમાં બનતા નાના-મોટા બનાવો જેવા કે કોઈ હોસ્પિટલ, સરકારી વિભાગો, કંપનીઓમાં કોઈ બનાવ બને અને કોઈનું મૃત્યુ થાય તો જે તે વિભાગ અને તેના માલિક ઉપર માનવવધ સહિતના ગુનાઓમાં ફરિયાદ કરવામાં આવે છે. તો આ GFL કંપની ઉપર અને તેના માલિક ઉપર ફરિયાદ કેમ ના થઈ શકે? તા-10/09/2025 ના રોજ કેટલાક કામદારોનું મૃત્યુ અને કેટલાયને ગંભીર ઇજા પહોંચી છે. સાથે જ વર્ષ-2021 માં પણ 7 વ્યક્તિઓના મૃત્યુ અને 11 ગંભીર રીતે ઘવાયેલા કામદારો પછી પણ સરકારી તંત્ર દ્વારા આ મુદ્દાઓ ઉપર પાછીપાની કેમ કરવામાં આવી રહ્યા છે? આ દેશમાં કાયદો બધા માટે સરખો છે તો કાયદાકીય કાર્યવાહીમાં કેમ વિલંબ થઈ રહ્યો છે?

ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીના લાયસન્સની વિગતો જાહેર કરવી જોઈએ જેથી કંપનીમાં લાયસન્સ વગરના કોઈ કેમિકલનો ઉપયોગ પ્લાન્ટમાં થતો હોય તો તેની ગંભીર અસરોથી થતા અણબનાવોથી બચી શકાય આ માટે કંપનીને સદંતર બંધ કરવી જ અનિવાર્ય છે. ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીની માહિતીઓ મેળવવી જોઈએ કે આ કંપની વિદેશોમાં પ્રતિબંધિત છે કે નહીં? આ કંપનીના માલિકો ભારતમાં રહે છે કે વિદેશોમાં? આ કંપની જ્યારે સ્થાપિત થઈ ત્યાર પછી ક્રમશઃ કેમ પરવાનગીઓ મેળવીને ચાલતી રહી છે? વારંવાર કંપનીમાં ગેસ લીકેજ અને બ્લાસ્ટ થાય છે ત્યારે ફાયર એલાર્મ વાગે છે કે નહીં? આજુબાજુના ગામડાઓના નાગરિકોને બચાવવા માટે તાત્કાલિક શું વ્યવસ્થા કરવામાં આવી હતી? કંપનીમાં બચાવ કાર્ય માટે પૂરતા સાધનો હતા કે નહીં? આ બાબતો પણ આ બનાવમાં મુખ્ય ઘટનાઓ છે.

સ્થાનિક સરકારી તંત્ર દ્વારા અને સરકાર દ્વારા વારંવાર આ બધા અકસ્માતોના મુદ્દાઓને લઈને કમિટીઓ રચવામાં આવે છે, કાર્યવાહીઓની બાંહેધરી આપવામાં આવે છે. પણ કેમ નક્કર પગલા લેવામાં આવતા નથી તે મોટો પ્રશ્ન છે. આગામી સમયમાં જો એક જ મહિનામાં કોઈ નક્કર પગલાં ભરવામાં નહીં આવે અને કંપની અને તેના માલિક ઉપર માનવવધનો ગુનો નોંધી પોલીસ ફરિયાદ નહીં કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના કાર્યકરો ગામે-ગામ જઈ નાગરિકોને ભેગા કરી ઉગ્રથી ઉગ્ર જન આંદોલન કરીશું અને ગાંધી ચિંધ્યા માર્ગે સમગ્ર વિસ્તારના લોકોને સાથે રાખી કાર્યક્રમો પણ કરીશું. આ બાબતની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. જેથી તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા અમારી માંગણી છે.

આ પણ વાંચોફરિયાદ કરી છે તો અમારી ધરપકડ કરી જ લો’, Pravin Ram ઢોલ નગારા સાથે પહોંચ્યા પોલીસ સ્ટેશન

Read More

Trending Video