Chaitar Vasava : આજે દેશમાં શિક્ષક દિનની ઉજવણી થઇ રહી છે. સાથે જ જેના માનમા આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે એ શિક્ષણશાસ્ત્રી અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીની જન્મ જયંતિ પણ આજે છે. ત્યારે આ દિવસની ઉજવણી આજે દરેક જગ્યાએ કરવામાં આવી રહી છે. ત્યારે નર્મદામાં પણ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી હતી. અને ત્યાં આ કાર્યક્રમ દરમિયાન ચૈતર વસાવાએ શિક્ષકોની ઘટ અને એક શિક્ષકથી ચાલતી શાળાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
શાળાઓમાં શિક્ષકની ઘટ્ટને લઈને શું કહ્યું ચૈતર વસાવાએ ?
‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે, હાલ આપણે શિક્ષક દિવસની ઉજવણી કરી રહ્યા છીએ અને હું તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓને આજના દિવસની શુભકામનાઓ પાઠવું છું. સાથે હું અમુક ગંભીર મુદ્દા ઉપર પોતાની વાત રજૂ કરવા માંગુ છું. થોડા દિવસ પહેલા શાળા પ્રવેશોત્સવ દરમિયાન ડેડીયાપાડાના રિંગાપાદર ગામમાં જ્યારે હું ગયો ત્યારે મેં જોયું કે, ગામમાં શાળા છે અને વિદ્યાર્થીઓ છે પરંતુ એક પણ શિક્ષક નથી. આપણા માટે આ ચિંતાની અને ગંભીર બાબત છે. તેના માટે મેં કલેકટર સમક્ષ અને જિલ્લા શિક્ષણ અધિકારીને પણ આ મુદ્દા પર રજૂઆત કરી હતી પરંતુ આ મુદ્દાનું કોઈ સમાધાન થયું નથી.
વધુ એક ગંભીર બાબત એ છે કે નર્મદા જિલ્લામાં 92 શાળાઓ એક શિક્ષકથી ચાલે છે. આજની સ્થિતિએ આદીવાસી વિસ્તારોના 14 જિલ્લાઓમાં 853 શાળાઓ એક શિક્ષકથી ચાલે છે. ગુજરાતમાં 1657 શાળાઓ એક શિક્ષકથી ચાલે છે અને રાજ્યમા 32000 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. સરકારે ગંભીરતાથી તાત્કાલિક કાયમી શિક્ષકોની ભરતી કરવી જોઈએ. હાલ આ મંચ પર કલેકટર ઉપસ્થિત છે માટે હું તેમને પણ વિનંતી કરીશ કે આવનાર દિવસોમાં ગુજરાત સરકારને રજૂઆત કરીને જેમ બને તેમ જલ્દી આ શાળાઓને સહાયક શિક્ષક મળે અને નર્મદા જિલ્લાનું શિક્ષણ વધુ બહેતર થાય તેવી આશા રાખીએ છીએ.
આજ રોજ 5મી સપ્ટેમ્બર મહાન શિક્ષણશાસ્ત્રી અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનજી ની જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત સરકાર તથા નર્મદા શિક્ષણ વિભાગ દ્વારા પદાધિકારીઓ તથા જિલ્લા કલેક્ટર શ્રી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમા નર્મદા જીલ્લા તાલુકા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિત… pic.twitter.com/G5RsOsm2XD
— Chaitar Vasava AAP (@Chaitar_Vasava) September 5, 2024
મારા બાળકો પણ સરકારી શાળામાં અને આંગણવાડીમાં ભણે છે
આજે હું ધારાસભ્ય છું પરંતુ મારી બે વર્ષની દીકરી સરકારી આંગણવાડીમાં જઈને બેસે છે, મારી બીજા નંબરની દીકરી જે ત્રીજા ધોરણમાં ભણે છે તે પણ સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. મારો દીકરો જે છઠ્ઠા ધોરણમાં ભણે છે તે પણ સરકારી પ્રાથમિક શાળામાં ભણે છે. નર્મદા જિલ્લાના શિક્ષણ વિભાગના અધિકારીઓ ખૂબ જ સારું કામ કરે છે તો મને ખૂબ જ વિશ્વાસ છે કે આવનારા સમયમાં નર્મદા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે જે પણ નાની મોટી સમસ્યાઓ છે તે થોડા દિવસોમાં ચોક્કસપણે દૂર થઈ જશે અને નર્મદા જિલ્લો આખા દેશના ફલક પર હશે.
આ પણ વાંચો : Mahakumbh 2025 : અખાડા પરિષદના પ્રમુખે કુંભના ‘શાહી સ્નાન’નું નામ બદલવાની કરી માંગ, કહ્યું, આ ગુલામીનું પ્રતીક છે