Chaitar Vasava : આદિવાસી વિસ્તારની રાજનીતિનો માહોલ હંમેશા ગરમ હોય છે. આદિવાસી સમાજના નેતાઓ એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરતા હોય છે. થોડા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. ત્યારે અત્યારથી જ નેતાઓ વચ્ચે શાબ્દિક પ્રહારો શરૂ થઈ ગયા છે. ત્યારે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા લોકોની સમસ્યાઓને લઈને હંમેશા સરકાર સામે વિરોધ કરતા જોવા મળે છે. ચૈતર વસાવા અને છોટુ વસાવા બંને આદિવાસી નેતાઓ વચ્ચે એક બીજા પર શાબ્દિક પ્રહારો થતા રહે છે. ચૈતર વસાવાએ રાજનીતિની શરૂઆત છોટુ વસાવા સાથે જ કરી હતી. પછી રાજનીતિક મતભેદ થતા તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, સાથે જ આપમાંથી ડેડીયાપાડાના ધારાસભ્ય બન્યા હતા. આજે છોટુ વસાવાની ભારતીય આદિવાસી પાર્ટી (BAP) ના નેતાએ ચૈતર વસાવા પર ગંભીર આક્ષેપો કર્યા છે. અને જાણે ચૈતર વસાવાની લોકચાહનાથી ક્યાંક તેમના પેટમાં તેલ રેળાઈ રહ્યું હોય તેવું લાગે છે.
ચૈતર વસાવાની રાજકીય સફર આમ તો છોટુ વસાવા સાથે શરુ થઇ હતી. છોટુ વસાવા ચૈતર વસાવાના રાજકીય ગુરુ કહી શકાય. પરંતુ જ્યારથી ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે ત્યારથી છોટુ વસાવા તરફથી તેમના પર કંઈકને કંઈક આક્ષેપો કરતા રહે છે. ત્યારે આજે ભારતીય આદિવાસી પાર્ટી (BAP)ના મહામંત્રી બહાદુર વસાવાએ ચૈતર વસાવા પર અને તેમની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે ચૈતર વસાવા પર આક્ષેપ કરતા કહ્યું કે, ”ચૈતર તમે છોટુ વસાવાની વાત કરો છો, તો તમે રાજનીતિ કઈ પાઠશાળામાંથી શીખ્યા છો? ઈકો સેન્સેટિવ ઝોનની રેલી અમે કેવડીયાથી રાજપીપળા સુધી બધાએ સાથે મળીને કાઢી અને તમે તેને તમારા નામે બનાવી લીધી.
વધુમાં સવાલો કરતા બહાદુર વસાવાએ કહ્યું કે, તમે તમારા મતવિસ્તાર ડેડીયાપાડાની ચિંતા કરો, અમારા વાલિયા, ઝઘડિયા વિસ્તારની ચિંતા ના કરો. તમે ગુજરાતના મુખ્યમંત્રી નથી પણ એક ધારાસભ્ય છો. છોટુભાઈ વસાવા તમારા બાપ છે, અને આદિવાસીઓના ગુરુ છે. તમે છોટુભાઈ પર આક્ષેપો કરો છો, પણ તું છોટુભાઈથી મોટો માણસ નથી. તું ખાલી ફ્રી વસ્તુના ચક્કરમાં જીતી ગયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આમ આદમી પાર્ટી અલગ લડી રહી છે, કોંગ્રેસ તમારી સાથે નથી. ત્યારે તાલુકા જિલ્લા પંચાયત કેવી રીતે જીતો છો તે જોઈએ. છોટુભાઈ વર્ષોથી જળ, જંગલ, અને જમીનની લડાઈ લડે છે, અને આદિવાસીઓના મસીહા છે. છોટુભાઈએ તમને તૈયાર કર્યા છે, અને તમે ગદ્દાર બનીને મૂડીવાદીઓ સાથે મળીને સોદાબાજી કરો છો. તમે તમારો ડેડીયાપાડા વિસ્તાર ખાલી સંભાળો. ભીલીસ્તાન બનાવવાની ખોટી વાતો બંધ કરો.
આ પણ વાંચો : US Election Result : ટ્રમ્પની જીત બાદ ઝેલેન્સકીનું મોટું નિવેદન, રશિયા સામે યુક્રેન શું ઈચ્છે છે?