ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવાના નિર્ણયનો રાજ્યના TET-TAT પાસ ઉમેદવારો વિરોધ કરી રહ્યાં છે. સરકારના આ નિર્ણય સામે ઉમેદવારોમાં ભારે રોષ છે અને ઉમેદવારો વિવિધ રીતે પોતાનો વિરોધ રજૂ કરી રહ્યા છે. હનુમાનજી મહારાજ, ગણપતિ દાદા, સાધુ સંતોને ઉમેદવારો વિનંતિ અને પ્રાર્થના કરી રહ્યાં છે કે આ નિર્ણય પાછો ખેંચવા સરકારને સદબુદ્ધિ આપે.
ગાંધીબાપુને પ્રાર્થના
આજે ગાંધી જયંતિના દિવસે ગાંધી આશ્રમ ખાતે જ્ઞાન સહાયક ઉમેદવારોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જ્ઞાન સહાયક ઉમેદવારોએ ગાંધીજી સમક્ષ પોતાની વેદના ઠાલવી અને આ જ્ઞાન સહાયકની યોજના રદ્દ કરી શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી પ્રાર્થના કરી હતી.
ઉમેદવારોની વેદના
જ્ઞાન સહાયકો એ પોતાની વેદન વ્યક્ત કરી કે, ગોરા અંગ્રેજો પણ આવો જુલમ નહોતા કરતા જેટલો અહીંયા કાળા અંગ્રેજો અમને આટલા હેરાન કરે છે. પોતાના હક માટે લડવા મંજુરી લેવી પડે છે. આઝાદીના 75 વર્ષ થયા પણ આઝાદીનો અનુભવ નથી થયો.
સરકારના નિર્ણય પર નજર
આ અગાઉ જ્ઞાન સહાયકોએ ગણપતિ દાદાને પત્ર લખી પ્રાર્થના કરી હતી. તે પહેલા હનુમાન દાદાને પત્ર લખીને પ્રાર્થના કરી હતી. એ સિવાય સાધુ સંતોના શરણે પણ જ્ઞાન સહાયકો ગયા હતા અને સરકારને સમજાવવા વિનંતિ કરી હતી. જણાવી દઈએ કે, જ્ઞાન સહાયક યોજના પર પુન: વિચારણા કરવા ભાજપના જ ઘણા નેતાઓ અને ધારાસભ્યો સરકારને પત્ર લખી ચુક્યા છે ત્યારે હવે આગામી સમયમાં રાજ્ય સરકાર શું નિર્ણય લે તે જોવું રહ્યું.