BUNDI ROAD ACCIDENT : રાજસ્થાન(BUNDI ROAD ACCIDENT)ના જયપુર નેશનલ હાઈવે(JAIPUR NATIONAL HIGHWAY) પર આજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો. સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ એક ઈકો કારને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી હતી. અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા. અને 3 ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહનો કબજો મેળવ્યો હતો અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ ગયા હતા. પોલીસ હવે કારને ટક્કર મારનાર વાહનને શોધવાની તજવીજ કરી રહી છે, કારણ કે ઇજાગ્રસ્તોએ પોલીસને જણાવ્યું છે કે વાહનની ટક્કરના કારણે અકસ્માત થયો હતો. અથડામણને કારણે કાર ખરાબ રીતે કચડાઈ ગઈ હતી. અકસ્માતનો કેસ નોંધવામાં આવ્યો છે અને મૃતકો ઉત્તર પ્રદેશના હોવાનુ જાણવા મળી રહ્યુ છે.
બુંદીના એએસપી ઉમા શર્માએ અકસ્માતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે જયપુર નેશનલ હાઈવે પર હિંડોલી ગામ પાસે રોડ કિનારે અકસ્માતગ્રસ્ત કાર મળી આવી હતી. લોકો ખરાબ રીતે તૂટેલી કારમાં ફસાઈ ગયા હતા. કેટલાક લોકો નજીકમાં પડ્યા હતા, જેમાંથી 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘાયલોએ જણાવ્યું કે તેઓ ઉત્તર પ્રદેશના દેવાસ શહેરના રહેવાસી છે. ખાટુ શ્યામ મંદિરે દર્શન અને પૂજા કરવા જઈ રહ્યા હતા, પરંતુ હિંડોલી ગામ નજીક પહોંચ્યા ત્યારે તેમની કારને કોઈ અજાણ્યા વાહને પાછળથી ટક્કર મારી હતી. ટક્કર થતાંની સાથે જ કાર રોડ છોડીને ઝાડીઓમાં ગઈ હતી. અકસ્માત સર્જનાર અજાણ્યા વાહનને શોધી કાઢવાના પ્રયાસો ચાલુ છે.