ખોડીયાર માતા વિશે વિવાદિત ટીપાણી કરનાર વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ બ્રહ્મસ્વરૂપ સ્વામીએ માફી માગ્યા બાદ વધુ એક વિવાદમાં સપડાયા છે. બ્રહ્મસ્વરૂપ સ્વામીએ કહ્યું હતું કે, સ્વામિનારાયણમાં આવ્યા પછી કુળદેવી ના હોય. સ્વામિનારાયણમાં આવો એટલે ખોડિયાર માતા પણ ખુશ થાય છે. ખોડિયાર માતા પર સ્વામીએ પાણી નિચવ્યું હતું. તેમના આ નિવેદન બાદ વ્યાપક વિરોધ થતાં તેમણે માફી માંગી હતી. જે બાદ હવે તેઓ ફરી વિવાદમાં સપડાયા છે. આ મામલે પ્રજાપતિ સમાજ મેદાને આવ્યો છે.
પ્રજાપતિ સમાજમાં આક્રોશ
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ બ્રહ્મસ્વરૂપ સ્વામી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ પ્રજાપતિ સમાજ દ્વારા કરવામાં આવી છે. બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ભક્ત ગોરા કુંભાર અને તેમના પત્ની વિશે અભદ્ર ભાષામાં બફાટ કરતા પ્રજાપતિ સમાજમાં રોષ છે જેને લઈને આ સાધુ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. સંત ભક્ત ગોરા કુંભાર સાથે પ્રજાપતિ સમાજની ધાર્મિક લાગણી જોડાયેલી છે ત્યારે આ ઈતિહાસને નિમ્નકક્ષાની ભાષામાં શબ્દો પ્રયોગ કરીને રજૂ કરતા પ્રજાપતિ સમાજમાં આક્રોશ છે.
સ્વામી માફી માંગે
પ્રજાપતિ સમાજના આગેવાન ધીરુભાઈ નરશીભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે, સંત ગોરા કુંભાર વિશે અયોગ્ય ભાષાનો ઉપયોગ કરનાર સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી વિરૂદ્ધ કાર્યવાહી કરવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા ખાતે પ્રજાપતિ સમાજ દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. સ્વામી જાહેરમાં માફી માંગે અને આ બાબતના કોઈ સમાજ વિરૂદ્ધ કંઈ પણ આવા અયોગ્ય નિવેદન અને વર્તન કરે નહી તેવી અમારી માંગણી છે. આ બાબતે કલેક્ટર સાહેબ અને અધિકારીઓ કાર્યવાહી કરે તેવી માંગ છે.
સનાતન vs સ્વામિનારાયણ સંપ્રદાય
જણાવી દઈએ કે, સાળંગપુરમાં કિંગ ઓફ સાળંગપુરમાં લાગેલા વિવાદિત ભીંત ચિત્રોને લઈને સનાતન vs સ્વામિનારાયણ સંપ્રદાય જેવી સ્થિતિ નિર્માણ પામી હતી જે મામલે ભીંત ચિત્રો હટાવી લેતા મામલો શાંત પડ્યો હતો અને આ સમયગાળા દરમિયાન અનેક એવા વીડિયો સામે આવ્યા હતા જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા હિંદૂ દેવી દેવતાઓનું અપમાન થયું હોય અને આ સમયગાળામાં બ્રહ્મસ્વરૂપ સ્વામીનો વીડિયો સામે આવ્યો હતો જેમાં તેઓ ખોડિયાર માતા વિશે અયોગ્ય ટિપ્પણી કરે છે જે મામલે તેણે માફી પણ માંગી લીધી છે. જે બાદ હવેના વીડિયોમાં ભક્ત ગોરા કુંભાર અને તેમના પત્ની વિશે અયોગ્ય ટિપ્પણી કરતા હવે પ્રજાપતિ સમાજમાં આક્રોશ છે.
ઉલ્લેખનીય છે કે, વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ બ્રહ્મસ્વરૂપ સ્વામીના પ્રવચનનો જે વીડિયો સતત વાયરલ થઈ ચુક્યો છે તેમાં તેમણે અનેકવાર વિવાદિત ભાષાનો તેમણે ઉલ્લેખ કર્યો છે. જેની ક્લિપો સતત વાયરલ થઈ રહી છે અને તેનાથી વિવાદ થઈ રહ્યો છે.