Bodeli માં નકલી કચેરીનું કૌભાંડનો મામલો, માસ્ટરમાઇન્ડ અબુ બકરની અન્ય ખાનગી ઓફિસનો પર્દાફાશ

પોલીસ દ્વારા વડોદરાનાં ઇલોરા પાર્ક વિસ્તારનાં મુદ્રા એપા.માં તપાસ કરવામા આવી હતી.

October 29, 2023

છોટાઉદેપુરના બોડેલી ખાતે નકલી કચેરી ઊભી કરી 4.15 કરોડના કૌભાંડ મામલે તપાસ માટે છોટાઉદેપુર પોલીસ આજે વડોદરા પહોંચી હતી. અને  પોલીસ દ્વારા વડોદરાનાં ઇલોરા પાર્ક વિસ્તારનાં મુદ્રા એપા.માં તપાસ કરવામા આવી હતી.

નકલી કચેરીનું કૌભાંડના આરોપીઓ પોલીસ રિમાન્ડ હેઠળ

ગઈ કાલે છોટાઉદેપુરના બોડેલી ખાતે ભેજાબાજોએ “કાર્યપાલક ઈજનેરશ્રી સિંચાઈ પ્રોજેક્ટ ડિવિઝન બોડેલી” નામની કચેરી ઊભી કરી કૌભાંડ કર્યું હોવાનું સામે આવ્યું હતું. જેમાં આદિજાતિ વિભાગની પ્રાયોજના વહીવટદાર કચેરીમાંથી ગ્રાન્ટ મેળવી 93 કામના 4.15 કરોડના કામોનું કૌભાંડ કરવામા આવ્યું હતું. આ મામલે નકલી કાર્યપાલક ઈજનેર અબુ બકર જાકીર અલી સૈયદ અને તેના ભેજાબાજ સાથી સંદીપભાઈ રમેશભાઈ રાજપૂત પોલીસ રિમાન્ડ હેઠળ છે.

સંદીપની માતાનું નિવેદન

આરોપી સંદીપભાઈ રમેશભાઈ રાજપૂત છાણી ગામના B 904, ન્યાસા સ્કાઈડલ ખાતે રહે છે. સંદીપની માતા કંચનબેન રાજપૂતનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે, મારા દીકરા સંદીપને ફસાવી દેવામાં આવ્યો છે, તે ફક્ત મકાન બનાવવાનું કામ કરે છે. 2021 માં તે અબુ બકર જાકીર અલી સૈયદના સંપર્કમાં આવ્યો હતો. અબુ બકરનું પાદરા ખાતેના ફાર્મ હાઉસના મકાનનું સંદીપ કામ કરતો હતો. અમે અમારું મકાન પણ લોન પર લીધું છે, મારા દીકરા પર લાગેલા તમામ આરોપો જુઠા છે અને તેને ફસાવી દેવામાં આવ્યો છે.

વધુ એક ખુલાસો

બોડેલી સિંચાઇ કૌભાંડ મામલે વધુ એક ખુલાસો થયો છે. જેમાં મુખ્ય સુત્રધાર અબુ બકરની વધુ એક ખાનગી ઓફિસનો પર્દાફાશ થયો છે. વડોદરામાં પણ અબુ બકરની ખાનગી ઓફિસ મળી આવી છે. શહેરના ઇલોરા પાર્કનાં મુદ્રા એપા.માં અબુની ઓફિસ ચાલતી હતી, પોલીસ દ્વારા મુદ્રા એપા.નાં ત્રીજા માળે અબુની ઓફીસ અને ઘરે તપાસ કરવામા આવી રહી છે.

ઓફિસમાંથી મહત્ત્વનાં દસ્તાવેજો જપ્ત કર્યા

સરકારી ઓફીસ જેવાં ફર્નિચર સાથે અબુએ ઓફિસ બનાવી છે. અને તેનું ઘર અને ઓફિસ આજુબાજુમાં આવેલાં છે, ત્યારે વડોદરા ઓફિસ ખાતેથી પણ કૌભાંડ આચરાયું હોવાની આશંકા વ્યક્ત કરવામા આવી રહી છે. પોલીસે ઘર અને ઓફિસમાં તપાસ કરી પંચનામુ કર્યું છે. પોલીસે અબુની ઓફિસમાંથી પીસી, પ્રિન્ટર જપ્ત કર્યા છે. તેમજ અબુ બકરની ઓફિસમાંથી મહત્ત્વનાં દસ્તાવેજો જપ્ત કર્યા છે. અબુ બકર અને સંદીપ રાજપુતને લઇ પોલીસ રવાના થઈ છે. પોલીસ તપાસમાં આ મામલે હજુ પણ વધુ મોટા ખુલાસા થઈ શકે છે.

Read More

Trending Video