BJP MLA Kumar Kananai એ કહ્યું, – ‘હર્ષભાઈ તમારી પોલીસ જનતાને હેરાન કરે છે’

ભાજપના ધારાસભ્ય કુમાન કાનાણીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને પોલીસની ફરિયાદ

November 6, 2023

શાસકના પદ પર બિરાજમાન સત્તાએ પ્રજાની રક્ષા તથા પ્રજાની સુખશાંતિ જાળવવાનું કર્તવ્ય નિભાવે એવી રાજધર્મની વ્યખ્યા ધર્મશાસ્ત્રોમાં કરવામાં આવી છે. આપણા ગુજરાત રાજ્યમાં પણ પ્રજાની સુખાકારી માટે ગાંધીનગરની ગાદી કામ કરે છે તેવી વાતો કરવામાં આવે છે પરંતુ જમીની વાસ્તવિકતા એ છે કે પ્રજા હેરાન થાય છે અને આ એકરાર ભાજપના જ ધારાસભ્યએ કર્યો છે. ભાજપના ધારાસભ્ય કુમાન કાનાણીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને પોલીસની ફરિયાદ કરી છે.

રજૂઆત

લગભગ અડધુ સૌરાષ્ટ્ર (ખાસ કરીને જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લો) સુરતમાં વસેલું છે. દિવાળીના તહેવારોમાં સુરતથી સૌરાષ્ટ્ર વતનમાં મોટી સંખ્યામાં લોકો આવે છે અને સુરતથી ખાસ કરીને કારમાં આવતા લોકોને પોલીસ દ્વારા અટકાવી તોડ કરવામાં આવે છે અને આ ફરિયાદ કુમાર કાનાણીએ હર્ષ સંઘવીને કરી છે.

તોડબાજીનો હેતુ

કુમાર કાનાણીએ પત્રમાં લખ્યું છે કે, સુરતથી સૌરાષ્ટ્ર તરફ જતી કારને આણંદ જિલ્લા પોલીસ દ્વારા અટકાવવામાં આવે છે. 15 થી 20 પોલીસ કર્મચારીઓનું ટોળું પરિવાર સાથે જઈ રહેલી કારને રોકી જરૂરી ડોક્યૂમેન્ટ માંગે છે અને મહિલાઓની હાજરીમાં ગાળાગાળી કરી ફોન ઝુંટવી વાહન માલિકોને હેરાન કરવામાં આવે છે અને આ હેરાનગતિ માત્ર પૈસાની તોડબાજી માટે કરવામાં આવે છે. લોકોની રજૂઆત સાંભળતા નથી અને તોડબાજીના હેતુસરની કાર્યવાહી કરે છે.

કાર્યવાહી કરવા માંગ

તેમણે કહ્યું કે, પોલીસ કાયદાકીય રીતે પોતાની ફરજ બજાવે અને તેમાં કોઈ વાંધો હોય જ નહી પરંતુ માત્રને માત્ર તોડ કરવા સામાન્ય લોકોની સાથે આતંકવાદીઓ જેવું અને ગુનેગાર હોય તેવું તેમની સાથે વર્તન કરવામાં આવે છે. આ બાબત ગંભીરતાપૂર્વક લઈ તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.

Read More

Trending Video