Isudan Gadhvi News:આમ આદમી પાર્ટી દ્વારા જામનગર ખાતે ભવ્ય “પરિવર્તન સભા”નું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સભામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, ધારાસભ્ય હેમંત ખવા, સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી પ્રકાશ દોંગા, લોકસભા પ્રભારી રઘુભાઈ આંબલીયા, જામનગર શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, મહિલાઓ, યુવાનો સહિતના લોકો જોડાયા હતા. મોટી સંખ્યામાં જનતાએ ઉપસ્થિત રહી પરિવર્તન સભાને સફળ બનાવી હતી.
પરિવર્તન સભામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ Isudan Gadhvi એ પોતાનું વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે, જામનગરમાં આજે મહાનગરપાલિકાનું હજારો કરોડોનું બજેટ છે પરંતુ એ બજેટ ભાજપના લાભાર્થીઓના ઘરમાં જાય છે. આટલા વર્ષોના શાસન બાદ પણ લોકોને શુદ્ધ પાણી ન મળતું હોય, સારા રોડ રસ્તા ન મળતા હોય, સારી ગટર વ્યવસ્થા ન હોય તો પછી સવાલ થાય છે કે આપણે ભાજપના લોકોને શા માટે સત્તામાં બેસાડ્યા છે? મારો સવાલ છે કે જામનગરમાં કેટલી અંગ્રેજી મીડીયમની સરકારી શાળાઓ બની? ભાજપના નેતાઓ પ્રાઇવેટ શાળાઓ ખોલતા જાય છે અને સરકારી શાળાઓ બંધ કરતા જાય છે. આજે હોસ્પિટલમાં ગરીબ સામાન્ય પરિવારના લોકોને સારી સારવાર પણ નથી મળતી. શું આવી વ્યવસ્થા માટે આપણને આઝાદી મળી હતી? આ દેશ હવે ઉદ્યોગપતિઓના હાથમાં વેચાવા જઈ રહ્યો છે. ડેવલોપમેન્ટના નામે કબજાઓ કરવામાં આવે છે, આજે એ લોકો કબજા કરશે, કાલે તમારા ઘરને ગેરકાયદેસર કહીને તમારા બંગલા પડાવશે. ભાજપના નેતાઓને કાર્યકર્તાઓને કહેવા માંગીશ કે તમારા મહેનતથી અને તમારા પ્રચારથી ભાજપ સત્તામાં આવશે તો ભાજપના ભ્રષ્ટાચારથી ઉદ્યોગપતિઓ માલિક બની જશે પછી તમે પણ રડશો પરંતુ એ સમયે તમારી પાસે પસ્તાવા સિવાય કોઈ ઉપાય નહીં હોય. તો હું એમને કહીશ કે મહેરબાની કરીને ભાજપનો પ્રચાર હવે ન કરતા. ખેડૂતો વેપારીઓ સહિત તમામ લોકોના પ્રશ્નો ખૂબ જ હોય છે પરંતુ અલગ અલગ જાતિ જ્ઞાતિના આગેવાનો એ પ્રશ્નોનું સમાધાન લાવવાની જગ્યાએ એ લોકોના વોટ ભાજપમાં નખાવી દે છે. પરંતુ હવે જો આપણે આવનારી પેઢીને બચાવવી હોય તો જાગૃત થવું પડશે અને આવા તમામ લોકોને ઓળખવા પડશે. વિસાવદરની જનતાનો હું આભાર માનીશ કે જ્યાં એક એક ગામમાં ભાજપના નેતાઓ, મિનિસ્ટરો સહિત સ્ટાર પ્રચારકો ફરતા હતા પરંતુ વિસાવદરના લોકોએ કોઈની વાતોમાં આવ્યા વગર ગોપાલભાઈને વોટ આપ્યા અને આજે ગોપાલભાઈની આગેવાનીમાં વિસાવદરમાં જબરદસ્ત કામો થઈ રહ્યા છે.