BJP Gujarat : ગુજરાતમાં ભાજપના સંગઠનમાં ફેરફાર કરવામાં આવી રહ્યાં છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપ સંગઠનમાં જિલ્લા સ્તરે, તાલુકા સ્તરે, શહેરોમાં નવા પ્રમુખોની વરણી કરવામાં આવી રહી છે. હવે સંગઠનની રચના વચ્ચે રોજ કોઈ નવી ખબર સામે આવી રહી છે. ત્યારે થોડા સમય પહેલા તાલુકા પ્રમુખ અને જિલ્લા પ્રમુખની વરણીને લઈને નિયમો બહાર પાડવામાં આવ્યા છે. અને હવે આજે અલગ અલગ જિલ્લામાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં વડોદરા, સુરેન્દ્રનગર, અમરેલી અને રાજકોટમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં યોજાઈ સેન્સ પ્રક્રિયા
રાજકોટમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં હાલના વર્તમાન શહેર પ્રમુખ મુકેશ દોશી પણ દાવેદારી કરવા પહોંચ્યા હતા. આ સાથે જ ઘણા ભાજપ કાર્યકરો આ સેન્સ પ્રક્રિયામાં પોતાની દાવેદારી નોંધાવવા પહોંચ્યા હતા.
સુરત અને જિલ્લાના નવા ભાજપ પ્રમુખ માટેની પસંદગી કરવા પ્રદેશકક્ષા અને મહાનગરના ચાર નિરીક્ષકોની ટીમ દ્વારા હાલ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જ્યાં ઉધના ભાજપ કાર્યાલય ખાતે સવારે સાડા નવ વાગ્યાથી સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં ભાજપ પ્રમુખ પદ માટે ભાજપના જૂના જોગીઓ દ્વારા દાવેદારી ફોર્મ ભરવામાં આવ્યા છે. મહત્વનું છે કે શહેર ભાજપ પ્રમુખ માટે સીઆર પાટીલના નજીકના ગણાતા પરેશ પટેલનું નામ ચર્ચામાં છે. જ્યારે પૂર્વ મેયર હેમાલી બોઘાવાળા પણ પ્રમુખની રેસમાં આગળ છે.
અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ બનવા રાફડો ફાટ્યો હતો. ત્રણ ડઝન ઉમેદવારોએ પ્રમુખ બનવાના ફોર્મ ઉપાડ્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ બનવા રાજકીય લોબિંગ સાથે ભાજપના કાર્યકર્તાઓએ કમર કસી હતી. ફોર્મની સંકલનમાં સમીક્ષા બાદ ભાજપના રાષ્ટ્રીય સંગઠન દ્વારા આ સમગ્ર મામલે મહોર લગાવવામાં આવશે.
વડોદરા શહેર ભાજપ પ્રમુખ પદ માટે 44 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. તે પૈકી એક હાલના શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ પણ છે. ત્યારે તેની સરખામણીએ જિલ્લામાં દાવેદારોની સંખ્યા વધારે છે. પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે 55 દાવેદારો મેદાને છે. તે પૈકી એક હાલના જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ નિશાળીયા પણ છે.
આ પણ વાંચો : Botad : ‘મારી પત્નીને પાઠ ભણાવો…’, બોટાદમાં પતિએ પરિવાર માટે વીડિયો બનાવી આપઘાત કર્યો