BJP Gujarat : લોકસભા 2024ની ચૂંટણી (Loksabha Election 2024)માં ક્લીન સ્વીપની ‘હેટ્રિક’ નોંધાવવામાં નિષ્ફળ ગયેલી ગુજરાત ભાજપ બોટાદમાં ભગવાન સ્વામિનારાયણના આશ્રયમાં બે દિવસ માટે મંથન કરશે. આજે બોટાદ જિલ્લાના BAPS મંદિર, સાળંગપુર ખાતે ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠક 4 અને 5 જુલાઈ એમ બે દિવસ ચાલવાની છે. પ્રદેશ ભાજપ (BJP Gujarat) કારોબારીની બેઠક પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાશે.
આજથી બે દિવસ માટે ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક યોજાવાની છે. ત્યારે તેમાં વિવિધ મુદ્દાઓને પર મનોમંથન કરવામાં આવશે. સમગ્ર ગુજરાતમાંથી આ વિસ્તૃત કારોબારી બેઠકમાં 1300 થી વધુ કાર્યકરો હાજર રહેવાના છે. આ બેઠક સારી રીતે સફળ થાય તેના માટે એક ટીમ બનાવામાં આવી હતી. ભરત બોઘરાના નેતૃત્વ હેઠળની ટીમ દ્વારા સમગ્ર તૈયારીઓ કરવામાં આવી છે. આ બેઠકમાં દરેક મુદ્દા પર સમીક્ષા કરવામાં આવશે. સાથે જ આવનારી પંચાયતી રાજની ચૂંટણીઓને લઈને પણ ચર્ચાઓ કરવામાં આવશે. આ કારોબારી બેઠકમાં રાષ્ટ્રીય નેતૃત્વ પણ હાજર રહેશે. આ સાથે જ આ કારોબારીમાં ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષનું નામ પણ જાહેર થઇ શકે છે.
2024માં વોટની ટકાવારીમાં પણ ઘટાડો
2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 26માંથી 24 બેઠકો જીતી હતી. મુકેશ દલાલ સુરત બેઠક પરથી બિનહરીફ ચૂંટાયા હતા. પાર્ટીને લોકસભા ચૂંટણીમાં કુલ 61.86 ટકા વોટ મળ્યા હતા, જ્યારે 2019ની ચૂંટણીમાં તેને 62.21 ટકા વોટ મળ્યા હતા. આવી સ્થિતિમાં તેની વોટ બેંકમાં થોડો ઘટાડો થયો છે. લોકસભા ચૂંટણી બાદ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ કેન્દ્રીય મંત્રી બન્યા છે. આવી સ્થિતિમાં આગામી પ્રદેશ પ્રમુખની શોધ પણ આ બેઠકમાં પૂર્ણ થઈ શકે છે. રાજ્યમાં સરકાર અને સંગઠનમાં ફેરબદલ અને ફેરફારની અટકળો ઘણા સમયથી ચાલી રહી છે. આવા સંજોગોમાં બોટાદના BAPS મંદિરમાં પ્રદેશ ભાજપ કારોબારી મંથન કરશે ત્યારે આ મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે તેમ મનાય છે.