BJP Gujarat : ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગ્લેમર ઉતાર્યું મેદાને, અંકિતા પરમારથી લઇ માયાભાઇ આહિરના પુત્રી સહીત મહિલાઓને આપી ટિકિટ

April 11, 2026

BJP Gujarat : ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જોરદાર જામ્યો છે. તે વચ્ચે હવે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. અને ઉમેદવારોની જયારે છેલ્લી ઘડીએ જાહેરાત કરવામાં આવી ત્યારે કેટલાક એવા નામો સામે આવ્યા જેના કારણે ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ સર્જાયો છે. આ વખતે ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગ્લેમર પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. યુવા મહિલાઓને ભાજપે તક આપી છે. ખાસ તો જે લોકો સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચિત છે. જેના મિલિયન્સમાં ફોલોઅર્સ છે. તેવા ઇન્ફ્લુઅન્સર્સને ટિકિટ આપવામાં આવી છે. લોકગાયિકા રાજલ બારોટ, સિંગર નેહા સુથાર, અંકિત પરમાર અને માયાભાઈના પુત્રી સોનલ ડેરને મેદાને ઉતારવામાં આવ્યા છે.

રાજલ બારોટને ઉનાથી આપી ટિકિટ

ભાજપે રાજલ બારોટ પર વિશ્વાસ વ્યક્ત કરીને તેમને ઉના નગરપાલિકાના વોર્ડ નંબર 7માંથી ઉમેદવાર તરીકે ટિકિટ આપી છે. ખાસ વાત એ છે કે રાજલ બારોટ ઉનાના બાંભણીયા પરિવારની પુત્રવધૂ છે, જેના કારણે સ્થાનિક સ્તરે તેમને મજબૂત સમર્થન મળવાની પૂરી શક્યતા છે. ભાજપે ગ્લેમર અને સ્થાનિક પ્રભાવને જોડતી વ્યૂહરચના અપનાવી છે, જે આ બેઠક જીતવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ઉના પંથકમાં આ ચૂંટણી હવે વધુ સ્પર્ધાત્મક અને રોમાંચક બની ગઈ છે. રાજલ બારોટની એન્ટ્રીથી રાજકારણમાં ગ્લેમરનો સ્પર્શ આવ્યો છે, જે મતદારોને આકર્ષિત કરી શકે છે.

અંકિતા પરમારને વડોદરાના પોરથી જિલ્લા પંચાયતની ટિકિટ

વડોદરામાં ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર તરીકે પ્રખ્યાત થયેલી યુવા ભાજપ નેતા અંકિતા પરમાર ફરી એકવાર ચર્ચામાં આવી છે. લગભગ ત્રણ વર્ષ પહેલાં તેણી પહેલી વાર પ્રસિદ્ધિ પામી હતી જ્યારે તેણીએ જીમ ટ્રેનર તરીકે તાલુકા પંચાયતની ચૂંટણી જીતી હતી અને બાદમાં વડોદરા તાલુકાના અધ્યક્ષ બન્યા હતા. સોશિયલ મીડિયા પર સેલિબ્રિટી જેવો દરજ્જો મેળવતી અંકિતા પરમારને તાજેતરમાં ભાજપના યુવા મોરચા (યુવા પાંખ) ના ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવી હતી, જે પદ સંગઠનમાં ટ્રાન્સફર કરવામાં આવશે તેવું માનવામાં આવતું હતું. જોકે, પાર્ટીએ તેમને વડોદરા જિલ્લાના પોર મતવિસ્તારમાંથી મેદાનમાં ઉતારીને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા.

સિંગર નેહા સુથારને પણ ઉતાર્યા મેદાને

મહેસાણાની વિજાપુર તાલુકા પંચાયતની ફુદેડા બેઠક માટે ભાજપે નેહા સુથાર પર પસંદગી ઉતારી છે. સોશિયલ મીડિયા પર તેમની મજબૂત પકડને કારણે ભાજપે તેમને યુવા અને મહિલા મતદારોને આકર્ષવા માટે મેદાનમાં ઉતાર્યા છે. નેહા સુથાર ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ ધરાવે છે. તેઓ ગુજરાતી સંસ્કૃતિ, ટ્રેડિશનલ આઉટફિટ્સ અને જીવનશૈલીને લગતી રિલ્સ માટે જાણીતા છે. જેના કારણે હવે ભાજપે નેહા સુથારને ટિકિટ આપવામાં આવી છે.

માયાભાઇ આહિરના પુત્રીને આપી ટિકિટ

માયાભાઇ આહીરના પુત્ર જ્યરાજ આહિરના રાજકારણ પ્રવેશની ચર્ચાઓ વચ્ચે માયાભાઇ આહીરના પુત્રી સોનલબેન ડેરને ચૂંટણી લડાવવાનો ભાજપે નિર્ણય લીધો છે. અમરેલી જિલ્લાની લાઠી તાલુકા પંચાયતની ચાવંડ બેઠક પરથી તેમને ટિકિટ મળી છે. ત્યારે આ સમાચારને લઇને અમરેલીમાં હવે લાઠી તાલુકાના સમીકરણો ચોક્કસપણે બદલાશે, ભાજપે મોડીરાત્રે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાઓ માટેના ઉમેદવાર જાહેર કર્યા હતા અને સમગ્ર અમરેલીમાં હવે આ વાતની ચર્ચા થઇ રહી છે કે પ્રતિષ્ઠિત ચહેરાને અમરેલીમાં ચૂંટણીના મેદાનમાં ઉતારવાનો ભાજપનો આ દાવ કેટલો સફળ રહેશે. ગુજરાતના રાજકારણમાં પ્રવેશવાની વાતો જો કે જયરાજ આહીર માટે થઇ રહી હતી. પરંતુ તે પહેલા સોનલબેન ડેરને ટિકિટ આપવામાં આવી છે એટલે ફક્ત અમરેલી જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર ઝોનના સમીકરણો પર આ વાતની અસર થઇ શકે છે.

આ પણ વાંચોSurat માં આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકર્તા વચ્ચે જોરદાર બબાલ, કલેક્ટર કચેરી બહાર જોરદાર સૂત્રોચ્ચાર

Read More

Trending Video