BJP Gujarat : ગુજરાતમાં 18 ફેબ્રુઆરીએ જૂનાગઢ મહાનગરપાલિકા સહિત 66 નગરપાલિકા માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાયા બાદ મોટાભાગે ભાજપની તરફેણમાં મતદારનો ચુકાદો આવ્યો હતો. જ્યારે બુધવારે સૌરાષ્ટ્ર સહિત નગરપાલિકાઓમાં પ્રમુખ-ઉપપ્રમુખ સહિત હોદ્દેદારોની વરણી માટે મેન્ડેટ અપાયા હતા. જેમાં સૌરાષ્ટ્રની છ, અમરેલીની ચાર અને સાબરકાંઠાની ત્રણ સહિત કુલ 11 નગરપાલિકાઓનું સુકાન મહિલા પ્રતિનિધિને સોંપવામાં આવ્યું છે. તેમની વરણી થતાં ટેકેદારોએ ફુલહારથી સ્વાગત કર્યું હતું.
સાબરકાંઠામાં પ્રાંતિજમાં એમ.એ સુધી અભ્યાસ કરનાર તથા ગૃહિણી અનિતાબેન પંડ્યા, ખેડબ્રહ્માની કોલેજમાં લેક્ચરર તરીકે માનદ સેવા આપતા પ્રિયંકાબેન ખરાડી, તલોદમાં આશાબેન તરીકે કામ કરનાર રમીલાબેન ચાવડાએ પાલિકા પ્રમુખ તરીકે પદગ્રહણ કર્યું હતું. સૌરાષ્ટ્રમાં ધોરાજી નગરપાલિકામાં સંગીતાબેન બારોટ, ભાયાવદરમાં રેખાબેન સીણોજીયા, વાંકાનેરમાં ડિમ્પલબેન સોલંકી અને જેતપુરમાં મેનાબેન ઉસદડીયાને પ્રમુખપદ સોંપવામાં આવ્યું છે. જેતપુરમાં ઉપપ્રમુખપદ પણ મહિલા નેતા સ્વાતીબેન જોટંગીયાને સોંપાયું.
રાજુલામાં જયોતિબેન દવે, જાફરાબાદમાં રવિનાબેન ભારૈયા અને ચલાલામાં નયનાબેન વાળા તેમજ લાઠીમા દયાબેન જમોડની વરણી કરાઈ હતી. જ્યારે જૂનાગઢના વિસાવદરમાં દયાબેન સોલંકી અને ચોરવાડમાં બેનાબેન ચુડાસમા પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી હતી. હવે મહિલાઓને પ્રમુખ તો બનાવી દેવામાં આવ્યા છે પણ ભાજપ સરકાર એ પણ જો જો કે મહિલા પ્રમુખોની જગ્યાએ તેમના પતિ આગેવાન ન બનવા માંડે.