Amit Chavda News: AICCના મહામંત્રી અને ગુજરાત પ્રભારી મુકુલ વાસનિકજી, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ Amit Chavda, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી, CWCના સભ્ય અને પૂર્વ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, AICCના મંત્રી તથા સહપ્રભારી સુભાષિની યાદવ સહિત મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના પદાધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.
સરદાર પટેલ ભવન મહેસાણાથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ Amit Chavdaએ પ્રેસ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા જિલ્લાવાર સમીક્ષા બેઠકો યોજવામાં આવી રહી છે, જેમાં સંગઠનના પ્રભારી જનરલ સેક્રેટરી મુકુલ વાસનિકજી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષારભાઈ ચૌધરી સહિત તમામ વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. ચૂંટણી પરિણામોની સમીક્ષા દરમિયાન એ બાબત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે કે આ ચૂંટણી માત્ર ભારતીય જનતા પાર્ટી સામે જ નહીં, પરંતુ પોલીસ તંત્ર, વહીવટી તંત્ર અને બુટલેગરોના ગઠબંધન સામે પણ લડાયેલી ચૂંટણી હતી. સત્તાધારી પક્ષ દ્વારા સરકારી તંત્ર અને સત્તાનો ખુલ્લેઆમ દુરુપયોગ કરીને મેળવાયેલા પરિણામોનું વિશ્લેષણ કરીને આગામી રણનીતિ ઘડવા માટે તમામ વરિષ્ઠ નેતાઓ વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી રહ્યા છે.
દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રી બંને ગુજરાતના હોવા છતાં સરહદો પરથી ડ્રગ્સ ગુજરાતમાં પ્રવેશી જાય છે અને તેની અગાઉથી કોઈ માહિતી મળતી નથી. ગુજરાતમાં દારૂબંધીનો કાયદો હોવા છતાં અન્ય રાજ્યોમાંથી દારૂના કન્ટેનરો રાજ્યમાં પ્રવેશી જાય છે. દારૂ અને ડ્રગ્સ ગામે-ગામ અને ગલી-ગલી સુધી પહોંચી જાય છે, છતાં પોલીસ અને IBને તેની જાણ થતી નથી. પરંતુ કોંગ્રેસના ધારાસભ્યો, આગેવાનો અને કાર્યકરો કોને મળે છે, કયા કાર્યક્રમો યોજવાના છે, તેમની રણનીતિ શું છે અને તેમની ગતિવિધિઓ શું છે તેની માહિતી મેળવવા માટે આખી સરકાર, પોલીસ તંત્ર અને IBને કામે લગાડવામાં આવ્યા છે.
મહેસાણા ખાતે યોજાયેલી ઉત્તર ગુજરાતની કોંગ્રેસની સમીક્ષા બેઠકમાં મંજૂરી વગર પ્રવેશ કરનાર IBના અધિકારીઓ પકડાતા સ્પષ્ટ થાય છે કે સરકાર વિપક્ષને ડરાવવા અને દબાવવા માટે સરકારી તંત્રનો દુરુપયોગ કરી રહી છે. કોંગ્રેસના આગેવાનોના જણાવ્યા અનુસાર પકડાયેલા અધિકારીઓના મોબાઈલમાંથી જાસૂસી સંબંધિત માહિતી ઉપરાંત અન્ય અનેક ગંભીર વિગતો પણ સામે આવી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને કોંગ્રેસ પક્ષ અપીલ કરે છે કે વિપક્ષની જાસૂસી કરાવવાનું બંધ કરીને પોલીસ અને IB તંત્રને ગુજરાતની જનતાની સુરક્ષા, વધતી ગુનાખોરી પર નિયંત્રણ અને યુવા પેઢીને ડ્રગ્સના દૂષણથી બચાવવા માટે કાર્યરત કરવામાં આવે.
અમિતભાઈ ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે ચૂંટણી પરિણામો બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા સંગઠનની ખામીઓ, વહીવટી ચૂક અને સત્તાધારી પક્ષ દ્વારા થયેલા પોલીસ તેમજ પ્રશાસનિક દુરુપયોગ અંગે ગંભીર સમીક્ષા કરવામાં આવી રહી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા તેમજ વાવ-થરાદ જેવા વિસ્તારોમાં દિયોદર જેવી ઘટનાઓ દ્વારા જનાદેશનું અપમાન કરીને લોકશાહીના નિયમો વિરુદ્ધ સત્તા હસ્તગત કરવાના પ્રયાસો થયા હતા. ભાજપ તરફી વલણ ધરાવતા અધિકારીઓ, નાણાકીય પ્રભાવ અને બાહુબલ સામે કોંગ્રેસના કાર્યકરોએ મજબૂતાઈથી લડત આપી હતી. કોંગ્રેસ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે પણ આંતરિક તપાસ ચાલી રહી છે.
આગામી અઠવાડિયાથી પેટ્રોલ, ડીઝલ અને CNGના ભાવવધારા તેમજ તેના કારણે વધેલી અસહ્ય મોંઘવારી સામે જનતાનો અવાજ બુલંદ કરવા માટે ગુજરાતના તમામ તાલુકા મથકો પર કોંગ્રેસ પક્ષ દ્વારા આક્રમક વિરોધ પ્રદર્શનો શરૂ કરવામાં આવશે.
નીટ (NEET) પરીક્ષાના પેપર લીક અને પરીક્ષા વ્યવસ્થામાં વ્યાપક ભ્રષ્ટાચાર સામે સમગ્ર દેશ સહિત ગુજરાતના યુવાનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. યુવાનોના અવાજને બુલંદ કરવા માટે આગામી ૪થી ૧૨ જૂન દરમિયાન ગુજરાતના તમામ તાલુકા મથકો પર પેપર લીક કૌભાંડ, સરકારી ગેરરીતિઓ અને વધતી મોંઘવારીના વિરોધમાં ઉગ્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ લડતને વધુ મજબૂત બનાવવા માટે આ સમીક્ષા બેઠકના આધારે આગામી કાર્યક્રમો માટે વિસ્તૃત રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેના ભાગરૂપે જુલાઈ મહિનાથી દરેક વિધાનસભા બેઠકમાં બૂથ લેવલના કાર્યકરો સાથે સીધો સંવાદ સ્થાપિત કરીને લોકજાગૃતિનું વ્યાપક અભિયાન શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો: ખેતી મદદનીશોને CM Bhupendra Patelનું આહવાન, ટેકનોલોજી અપનાવી ખેડૂતોને આપો વધુ સહકાર