Bihar Train Accident : બિહારના બક્સર અને ડુમરાઓ અને રઘુનાથપુર સ્ટેશનો વચ્ચે ટ્રેન દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ મગધ એક્સપ્રેસ દુર્ઘટનાનો શિકાર બની હતી. જેના કારણે મુસાફરોમાં ફફડાટ ફેલાયો હતો. મુસાફરો ભયથી રેલ્વે ટ્રેક પર ઉતરી ગયા હતા. હાલમાં, બક્સર-પટના રેલ્વે સેક્શન પર રેલ કામગીરી ખોરવાઈ ગઈ છે અને રેલ્વે અધિકારીઓ ઘટના સ્થળે રવાના થઈ ગયા છે. આ અકસ્માત લગભગ 11 વાગ્યાની આસપાસ થયો હોવાનું કહેવાય છે. હાલ ઘટનાસ્થળે કોઈ બચાવ ટીમ કે કોઈ અધિકારી નથી.
મળતી માહિતી મુજબ આ ટ્રેન દિલ્હીથી ઈસ્લામપુર જઈ રહી હતી. ત્યારબાદ મગધ એક્સપ્રેસ ટ્રેન બક્સરના ડુમરાઓ અને રઘુનાથપુર સ્ટેશન વચ્ચે અચાનક બે ભાગમાં વહેંચાઈ ગઈ. ટ્રેનના કેટલાક ડબ્બા મગધ એક્સપ્રેસના એન્જિનથી અલગ થઈ ગયા અને પાછળ રહી ગયા. જણાવવામાં આવી રહ્યું છે કે મગધ એક્સપ્રેસ ટ્રેનની પ્રેશર પાઇપ તુટવાને કારણે ટ્રેન બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. હાલમાં મુસાફરોમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
ટ્રેન અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં મગધ એક્સપ્રેસ બે ભાગમાં વહેંચાયેલી જોઈ શકાય છે. અકસ્માતથી ડરી ગયેલા મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતરીને પાટા પર આવી ગયા હતા. એક મુસાફર તેના કેમેરામાં ટ્રેનના પ્રેશર પાઇપના પોલને તૂટતો દેખાઈ રહ્યો છે. મુસાફર ટ્રેનના ડબ્બા પર લખેલા રેલ્વેના સૂત્રનું પુનરાવર્તન કરીને ભારતીય રેલ્વેની ઝાટકણી કાઢતો જોવા મળે છે.