Bhima Dula Odedra : પોરબંદરમાં ગઈકાલે કુખ્યાત ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરાની પોલીસે છટકું બેસાડી ધરપકડ કરી હતી. આ ઓપરેશન પાંચ ટીમ દ્વારા પાર પાડવામાં આવ્યું હતું. આ જ કેસમાં તેમને પહેલા જામીન આપવામાં આવ્યા હતા. જે બાદ ગઈકાલે રાત્રે તેની પ્રોહિબિશનના ગુના હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ આજે તેને આ ગુનામાં પણ જામીન મળી ગયા છે. આજે ભીમા દુલા આહીરને આજે જજ સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો. જ્યાં તેના રિમાન્ડ નામંજૂર કરવામાં આવ્યા હતા. અને તેમને જામીન આપવામાં આવ્યા હતા.
કુખ્યાત હિસ્ટ્રીશીટર ભીમા દુલા ઓડેદરાને ફરી એકવાર મોટી રાહત મળી છે. ગુનાહિત ઇતિહાસ ધરાવનાર ભીમા દુલા ઓડેદરાને ગઈકાલે રાણાવાવ પોલીસે ફરી એકવાર સકંજામાં લીધો હતો. પ્રોહિબિશનનાં એક કેસમાં ભીમા દુલાની ધરપકડ કરવામાં આવી હતી. માહિતી મુજબ, ધરપકડ બાદ આજે લગભગ બપોરે 3 વાગ્યે જજનાં નિવાસસ્થાને ભીમા દુલાને રજૂ કરવામાં આવ્યો હતો. જો કે, જજે ભીમા દુલાના રિમાન્ડ નામંજૂર કરી જામીન આપ્યા છે. આમ, કુખ્યાત ભીમા દુલાને એક વાર ફરી મોટી રાહત મળી છે.
શું છે સમગ્ર મામલો ?
પોરબંદરના કુખ્યાત ભીમા દુલા ઓડેદરાની આદિત્યાણા ગામમાંથી પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આદિત્યાણા ગામે મોટું ઓપરેશન પાર પડ્યું હતું. ભીમા દુલા ઓડેદરાના આદિત્યાણા ખાતે તેના ઘરે રેડ કરી ભીમા દુલા ઓડેદરા તથા મશરી લખમણ ઓડેદરાની ધરપકડ કરવામાં આવી. આ ઓપરેશનમાં ભીમા દુલાની વાડીમાંથી 50 લાખ રોકડ અને હથિયારોમાં બાર બોર તથા એરગન અને ધારિયા, કુહાડી, તલવાર, નાની છરીઓ, ભાલાસ્ટીક, નાના મોટા ધોકા અને ગેડીયા મળી આવ્યા હતા. આ સાથે જ ભીમા દુલા સહિત અન્ય ત્રણ શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી હતી. ભીમા દુલા અને તેમના સાથીઓએ આદિત્યાણા ગામના ઈસ્માઈલ ઉર્ફે ટીટી અને તેના પુત્રની ભરબજારમાં સરાજાહેર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હતી. 2004માં કરાયેલી આ હત્યાનો ગુજરાત હાઈકોર્ટમાં 13 વર્ષ બાદ ચુકાદો આવ્યો અને કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી. 15 દિવસ પહેલા બોરીચા ગામમાં મારામારીની ઘટના બની હતી અને આ ઘટનામાં તેનું નામ સામે આવતા પોલીસે છટકું ગોઠવી સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું.