Bhima Dula Odedra : પોરબંદર મહાત્મા ગાંધી જેવી વિભૂતિ માટે જેટલું પ્રખ્યાત છે. તેટલું જ તેના ગુનાહિત ઇતિહાસ માટે જાણીતું છે. આમ તો પોરબંદરનો ઇતિહાસ ગેંગવોર અને માફિયારાજથી ભરેલો છે. એક સમય એવો પણ હતો જયારે આ પોરબંદર ખુબ શાંત હતું. જ્યાં કોઈ જ ગુનાખોરી નહોતી. પરંતુ સમય રહેતા તેને ગુનાખોરીનું હબ બનતા વાર ન લાગી. એવા જ ગુનાહિત ઇતિહાસનું ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરા ખુબ જાણીતું નામ છે. હિસ્ટ્રીશીટર ભીમા દુલા ઓડેદરાના નામ પર જાહેરમાં હત્યા જેવા ગુનાઓ નોંધાયેલા છે. ત્યારે આ જ ભીમા દુલા ઓડેદરાના ઇતિહાસ પર એક નજર કરીએ.
શું છે ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરાનો ઇતિહાસ ?
ભીમ દુલાની જો વાત કરવામાં આવે તો ભીમા દુલા એ રાણાવાવ-કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય કરસન દુલા ઓડેદરાનો મોટો ભાઈ થાય છે. ભૂતકાળમાં તેણે આદિત્યાણા ગામે પિતા-પુત્રની હત્યા કરી હતી. અર્જુન મોઢવાડીયાના ચુસ્ત ટેકેદાર ગણાતા મુળું મોઢવાડીયાની પણ વર્ષ 2005માં ગોળી મારી હત્યા કરી હતી. ભીમા દુલા અને તેમના સાથીઓએ આદિત્યાણા ગામના ઈસ્માઈલ ઉર્ફે ટીટી અને તેના પુત્રની ભરબજારમાં સરાજાહેર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હતી. હત્યા પાછળનું કારણ એવુ હતુ કે આદિત્યાણા ગામે પાઈપલાઈનનું કામ ચાલતુ હતુ, આ કામમાં ભીમા દુલાના બનેવી છગન કરશનની મશીનરી આ લાઈનના કામમાં ચાલુ હતું. ત્યારે ઈસ્માઈલ ટીટી ઓફિસ નજીક આ કામ નબળુ થતુ હોવાથી તેણે કામ બંધ કરાવ્યુ હતુ. તેના વિવાદ થતા તે જ સમયે ભીમા દુલા અને તેના માણસોએ ઈસ્માઈલ ટીટી અને તેના પુત્રની હત્યા કરી હતી. 2004માં કરાયેલી આ હત્યાનો ગુજરાત હાઈકોર્ટમાં 13 વર્ષ બાદ ચુકાદો આવ્યો અને કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી. તેની સામે હત્યા, મારામારી, ખનિજચોરી, હથિયાર એક્ટ, ટાડા, જમીન પચાવી પાડવા સહિત લોકોને શારીરિક માનસિક ત્રાસ આપવા સહિત કૂલ 48 ગુન્હા નોંધાયેલા છે. ત્યારે ભીમા દુલા જોડેથી મળેલા ગેરકાયદેસર હથિયાર બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : Bhima Dula Odedra : પોરબંદરના હિસ્ટ્રીશીટર ભીમા દુલા ઓડેદરાની ધરપકડ, પોલીસે કેવી રીતે પાર પાડ્યું સમગ્ર ઓપરેશન ?