Bhima Dula Odedra : પોરબંદરમાં ગઈકાલે કુખ્યાત ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરાની પોલીસે છટકું બેસાડી ધરપકડ કરી હતી. આ ઓપરેશન પાંચ ટીમ દ્વારા પર પાડવામાં આવ્યું હતું. આ જ કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. અને ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરાને અત્યારે જામીન આપી દેવામાં આવ્યા છે. એટલે કે કોર્ટ દ્વારા તેના જામીન મંજુર થઇ ગયા છે. આ કેસમાં તેના પુત્ર લખમણ અને પુત્રવધુ સંતોકબેન ઓડેદરાની સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. ખાસ તો આ મામલામાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે ભીમા ઓડેદરાને આટલી જલ્દી જામીન મળી કેવી રીતે ગયા ? ત્યારે હવે આ મામલે જોવાનું રહ્યું કે શું નવા વળાંક આવે છે.
ભીમા દુલા ઓડેદરાનું આરોપીએ ફરિયાદમાં સીધું નામ લખાવ્યું નથી. આ સાથે જ માત્ર આ પ્રકારના ગુના સાથે સંડોવણી હોવાના કારણે તેમને જામીન આપવામાં આવ્યા છે. સાથે જ 7 વર્ષથી ઓછા ગુનાની કલમો લાગેલી હોય તેવામાં જામીન કોર્ટે મંજુર કરવા પડે. જેના કારણે આજે તેમને જામીન પણ આપી દેવામાં આવ્યા છે.
શું છે સમગ્ર મામલો ?
પોરબંદરના કુખ્યાત ભીમા દુલા ઓડેદરાની આદિત્યાણા ગામમાંથી પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આદિત્યાણા ગામે મોટું ઓપરેશન પાર પડ્યું હતું. ભીમા દુલા ઓડેદરાના આદિત્યાણા ખાતે તેના ઘરે રેડ કરી ભીમા દુલા ઓડેદરા તથા મશરી લખમણ ઓડેદરાની ધરપકડ કરવામાં આવી. આ ઓપરેશનમાં ભીમા દુલાની વાડીમાંથી 50 લાખ રોકડ અને હથિયારોમાં બાર બોર તથા એરગન અને ધારિયા, કુહાડી, તલવાર, નાની છરીઓ, ભાલાસ્ટીક, નાના મોટા ધોકા અને ગેડીયા મળી આવ્યા હતા. આ સાથે જ ભીમા દુલા સહિત અન્ય ત્રણ શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી હતી. ભીમા દુલા અને તેમના સાથીઓએ આદિત્યાણા ગામના ઈસ્માઈલ ઉર્ફે ટીટી અને તેના પુત્રની ભરબજારમાં સરાજાહેર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હતી. 2004માં કરાયેલી આ હત્યાનો ગુજરાત હાઈકોર્ટમાં 13 વર્ષ બાદ ચુકાદો આવ્યો અને કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી. 15 દિવસ પહેલા બોરીચા ગામમાં મારામારીની ઘટના બની હતી અને આ ઘટનામાં તેનું નામ સામે આવતા પોલીસે છટકું ગોઠવી સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું.