Bhavnagar : ભાવનગરની સરકારી મેડીકલમાં ત્રણ વિદ્યાર્થીઓ સાથે રેગિંગનો મામલો, વિદ્યાર્થીઓ દ્વારા ડીનને પત્ર લખી ન્યાયની માંગ કરાઈ

March 8, 2025

Bhavnagar : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી રેગિંગની ઘટનાઓ સામે આવતી રહે છે. અને પહેલા આ પ્રકારની ઘટનાઓ ખુબ બનતી જેના કારણે તેને લઈને સરકારે રેગિંગને લઈને કાયદાઓ બનાવ્યા છે. તે બાદ ઘટનાઓ બનતી ઓછી થઇ ગઈ. પરંતુ છેલ્લા કેટલાક સમયમાં રેગિંગના કેસો સામે આવી રહ્યા છે. અને સૌથી વધારે રેગિંગના કેસ મેડિકલ કોલેજમાંથી સામે આવતા રહે છે. હવે ભાવનગર મેડિકલ કોલેજમાંથી રેગિંગનો મામલો સામે આવ્યો છે.

ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાંથી રેગિંગનો મામલો સામે આવ્યો છે. સરકારી મેડિકલ કોલેજના સિનિયર વિદ્યાર્થી સહીત 6 શખ્સો દ્વારા માર મારવા, અશ્લીલ શબ્દો બોલાવવા, ગાળો દઈ અને માર મારવા સહિતની બે ફરિયાદો નોંધાવવામાં આવી છે. આ ફરિયાદોના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. અને બીજી તરફ એન્ટી રેગિંગ કમિટીની બેઠક ચાલી રહી છે. સાથે જ ઈજાગ્રસ્ત ત્રણેય ડોક્ટરને સારવાર માટે સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મેડિકલના વિધાર્થીઓ દ્વારા મેડિકલ કોલેજના ડીનને લેખિત પત્ર લખી ન્યાયની કરવામાં આવી છે. સમગ્ર ઘટનાને પગલે નિલમબાગ પોલિસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો ?

ભાવનગરની સર.ટી.હોસ્પિટલમાં તૈયાર થઈ રહેલા 3 ભાવિ જુનિયર ડોકટરોનું તેના જ સિનિયર અને સાથી ડોક્ટરો દ્વારા અપહરણ અને રેગીંગ કરી 5 કલાક સુધી ઢોર માર મારવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ગત તા.6 ના રોજ રાત્રીના 10.30 કલાકે મેડિકલ કોલેજમાં રહેલા જુનિયર ડો. આકાશ આનંદભાઈ કરાથીયા તેમજ ડો.ઈશાન કીર્તિકુમાર કોટકને કોલેજની બહાર બોલાવી સિનિયર ડોકટર બલભદ્ર ગોહિલ તેમજ અભિરાજ પરમાર દ્વારા કિયા કારમાં અપહરણ કરી ઉઠાવી ગયા હતા.

તેમજ શહેરના વિવિધ માર્ગો પર 40 મિનિટ સુધી કારમાં ફેરવી ઢોર માર મારી બાદમાં શહેરના હિલડ્રાઈવ વિસ્તારની એક અવાવરું જગ્યા પર લઈ ગયા જ્યાં અલ્ટો કારમાં અન્ય સાથી ડોકટરો જેમાં નરેન ચૌધરી,મન પટેલ,મિલન કાકલોતર,પિયુષ ચૌહાણ તેમજ 2 અન્ય ઈસમો જેડી અને કાનોહાજર હતા.અપહરણ કરનાર 2 સિનિયર,4 સાથી જુનિયર અને અન્ય 2 ઈસમો ગાંજાના વ્યસની હોય ત્યાં જ ગાંજાનો નશો કરી આ બંને ડોકટરોને ઢોર માર માર્યો હતો તેમજ દુષ્કર્મ આચરવાની ધમકી આપી બીભત્સ ગાળો આપી 5 કલાક સુધી એટલે રાતના 3.30 સુધી માર માર્યો હતો.

તેમજ બંને ડોક્ટરોના મોબાઈલ છીનવી તેમાંથી તેમના પર્સનલ વીડિયો ફોટા વાયરલ કરવાની ધમકી આપી આ ગંજેરી ડોકટરોએ તેમણે ખરીદી કરેલા ગાંજા ના બાકી બિલ પેટે 1 લાખ રૂ. ની માંગ પણ કરી હતી.ધાકધમકી અને માર માર્યા બાદ આ તમામ બંનેને કાલુભા રોડ પરની બોયઝ મેડિકલ હોસ્ટેલમાં લઈ ગયા હતા. અને ત્યાં ત્રીજા ડોકટર એવા અમન જોશીને તેના રૂમમાંથી સૂતો ઉઠાવી લાવી તેને નિવસ્ત્ર કરી માર માર્યો હતો. તેની મરજી મુજબ કોલેજમાં કામ કરવા ધમકીથી મજબુર કર્યા હતા. ડરી ગયેલા આ ત્રણેય ડોકટરોની વહારે અન્ય જુનિયર ડોકટરો બાદમાં પહોંચ્યા હતા અને મેડિકલ કોલેજના ડિન સહિતના લોકો સાથે આ ઘટના અંગે વાતચીત કરી ત્રણેયને સર.ટી.હોસ્પિટલના ICU વોર્ડમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.

જે બાદ પોલીસને જાણ કરતા પોલીસે ત્રણેય ભોગ બનનાર જુનિયર ડોક્ટરોના નિવેદન લઈ 2 સિનિયર,4 સાથી જુનિયર તેમજ અન્ય 2 મળી કુલ 8 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.આ ઘટનાના પગલે રાત્રીના જુનિયર ડોકટરોના ટોળા હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને તંત્ર અને સરકાર પાસે ન્યાયની માંગ કરી હતી.આમ સિનિયર અને સાથી ડોકટરો દ્વારા કરવામાં આવેલા અપહરણ, રેગીંગ, ધમકી તેમજ ઢોર માર મારવાની ઘટનાને પગલે ભાવનગર સરકારી મેડિકલ કોલેજ મેનેજમેન્ટ સામે પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

આ પણ વાંચોPM Modi : ગુજરાતના નવસારીમાં પીએમ મોદીએ મહિલાઓને કર્યું સંબોધન, લખપતિ દીદીઓ સાથે કરી વાત

Read More

Trending Video