Bharuch: ગુજરાતમાં (Gujarat) ગેરકાયદેસર દબાણો (Illegal pressures) સામે હવે રાજ્ય સરકારે લાલ આંખ કરી છે. ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે હવે તંત્ર એક્શનમાં આવ્યું છે. તાજેતરમાં કચ્છ, સોમનાથ , સહિતના સ્થળોએ મોટા પ્રમાણમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. હવે ભરુચમાં પણ બુલડોઝર વાળી કરવામા આવી રહી છે. ત્યારે દાદાની બુલડોઝર કાર્યવાહી મામલે હવે ભરુચના સાંસદ મનસુખ વસાવા મેદાનમાં આવ્યા છે આ કાર્યવાહીને લઈને મનસુખ વસાવાએ જીલ્લા કલેક્ટરને પત્ર લખ્યો છે. જેમાં મનસુખ વસાવાએ જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં ન આવે ત્યાં સુધી લારી – ગલ્લાવાળાઓના દબાણો દુર કરવા અંગેની કામગીરી હાલ પુરતી બંધ રાખવામાં આવે તેવી રજૂઆત કરી છે.
દાદાના બુલડોઝર પર ભડક્યા મનસુખ વસાવા
મનસુખ વસાવાએ જીલ્લા કલેક્ટરને જણાવ્યું હતુ કે, વર્તમાન ચોમાસાની સ્થિતિને કારણે જીલ્લામાં કેટલીક જગ્યાએ લારી-ગલ્લાવાળાઓના દબાણ દુર કરવા અંગેની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જ્યાં સુધી રોજગારીને લગતી બીજી અન્ય કોઇ વ્યવસ્થા ઉભી કરવામાં ન આવે ત્યાં સુધી લારી – ગલ્લાવાળાઓના દબાણો દુર કરવા અંગેની કામગીરી હાલ પુરતી બંધ રાખવા સારું તથા નેત્રંગ તાલુકામાં પંચાયત દ્વારા લારી-ગલ્લાવાળાઓના દબાણ દુર કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવેલ હતી. ત્યાં પણ હાલ પુરતી દબાણ હટાવવાની જરૂરીયાત જણાતી નથી. જેથી રોજગારીને લગતા પ્રશ્નો ઉપસ્થિત ન થાય.
ગુજરાતમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ઝુંબેશ
મહત્વનું છે કે, ગુજરાતમાં અનેક ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર કાર્યવાહી કરવામા આવી રહી છે. તાજેતરમાં સોમનાથ મંદિર પાસેની જગ્યા પર જે કાર્યવાહી કરવામા આવી તે મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. જેમાં અરજદારોનું કહેવું છે તેમને નોટીસ પણ આપવામા આવી નથી અને મોડી રાત્રે આ કાર્યવાહી કરવામા આવી છે ત્યારે રાજ્ય સરકારે અગાઉ અનેક વાર નોટીસ આપી હોવાનું જણાવ્યું હતું. ત્યારે એકાએક કરવામા આવી રહેલી આ કાર્યવાહીથી લોકોમાં મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે ભરુચમાં લારી – ગલ્લાવાળાઓના ગેરકાયદેસર દબાણો હાલ પુરતા દૂર ન કરવામા આવે તેવી સાંસદે માંગ કરી છે ત્યારે મનસુખ વસાવાની આ વાત તંત્ર માને છે કે, નહીં તે જોવું રહ્યું..