Bharuch શહેરના અતિ પ્રાચીન અને ઐતિહાસિક વારસા સમાન જુમ્મા મસ્જિદ (Juma Masjid) ના પરિસરને લઈને એક નવો જ ધાર્મિક અને ઐતિહાસિક વિવાદ ઊભો થયો છે. જૈન સમાજના અગ્રણીઓ અને ભક્તો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ સ્થળ મસ્જિદ પહેલાં જૈન ધર્મનું પવિત્ર સ્થળ ‘જૈન સમરી વિહાર’ હતું. આ દાવો સામે આવ્યા બાદ જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચ્યા હતા, જેના કારણે સમગ્ર ભરૂચ શહેરમાં અને ધાર્મિક વર્તુળોમાં આ મુદ્દે ભારે ચર્ચા જાગી છે.
અલાઉદ્દીન ખિલજીના આક્રમણ અને ઇતિહાસનો ઉલ્લેખ
સ્થળની મુલાકાતે પહોંચેલા જૈન સમાજના આગેવાનોએ પોતાના દાવાના સમર્થનમાં ઐતિહાસિક સંદર્ભો રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ભૂતકાળમાં અલાઉદ્દીન ખિલજીના આક્રમણ દરમિયાન સોમનાથ સહિત દેશના અનેક ધાર્મિક સ્થળોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. તે જ ગાળામાં ચાંપાનેર અને ભરૂચના પ્રાચીન ‘જૈન સમરી વિહાર’ નો પણ નાશ કરવામાં આવ્યો હોવાનો અને તેના મૂળ માળખામાં ફેરફારો કરાયા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
19મા તીર્થંકર મલ્લિનાથજી અને ગણેશજીની મૂર્તિઓ મળી હોવાનો દાવો
જૈન સમાજના અગ્રણીઓએ આક્ષેપ કર્યો છે કે આ પુરાતત્વીય સ્થળ જૈન ધર્મની આસ્થાનું મોટું કેન્દ્ર રહ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે; આ પરિસરમાંથી જૈન ધર્મના 19મા તીર્થંકર ભગવાન મલ્લિનાથજીની પ્રાચીન પ્રતિમા મળી આવી હતી. આ ઉપરાંત, ભગવાન ગણેશજી સહિત અન્ય હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ અને પ્રાચીન સ્થાપત્યના અવશેષો પણ મળી આવ્યા છે. આ તમામ પુરાવાઓ આ સ્થળના મૂળ સ્વરૂપ અને પ્રાચીન ઇતિહાસ તરફ ઈશારો કરે છે તેમ જૈન સમાજનું માનવું છે.
પુરાતત્વ વિભાગના તાબા હેઠળ છે ઐતિહાસિક ઈમારત
ઉલ્લેખનીય છે કે ભરૂચની આ જુમ્મા મસ્જિદ હાલમાં આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI – પુરાતત્વ વિભાગ) ના તાબા હેઠળ સુરક્ષિત ઈમારત તરીકે નોંધાયેલી છે. સ્થળના મૂળ સ્વરૂપ અને પ્રાચીન ઈતિહાસને લઈને સામસામે દાવાઓ શરૂ થતાં આ મુદ્દે પુરાતત્વીય પુરાવાઓની ઊંડાણપૂર્વક તપાસની માંગણી ઊભી થઈ છે. સ્થળ પર જૈન સમાજના લોકો એકઠા થતાં અને ચર્ચા ગરમ બનતાં સુરક્ષા અને શાંતિ જાળવવા તંત્ર પણ એલર્ટ બન્યું છે.
આ પણ વાંચો: Ahmedabad Bullet Train પ્રોજેક્ટમાં મોટો માઈલસ્ટોન: સાબરમતી નદી પર 480 મીટર લાંબો બ્રિજ તૈયાર