Bhanuben Babariya : ગુજરાતમાં આજે મહિલા દિવસની ઉજવણી આ રીતે પણ, મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા હવે તમે પણ જાગો

March 8, 2025

Bhanuben Babariya : ગુજરાત જે મહિલાઓ માટે સુરક્ષિત કહેવાતું હતું. તે જ ગુજરાત આજે દુષ્કર્મ, અને મહિલા છેડતીનુ હબ બન્યું છે. જો કોઈ આજે એવું કહે કે મહિલાઓ અને બાળકીઓ ગુજરાતમાં સુરક્ષિત છે. તો આજે એ મજાક જેવું લાગે છે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે આમ તો ગુજરાતમાં જે ઉચ્ચ હોદ્દા પર રહેલી મહિલાઓ છે તેમની સરાહના કરવામાં આવે છે. પણ આજે વાત કરવી છે એ મહિલા અને બાળ વિકાસ મંત્રીની જેઓ ક્યારેય રાજ્યમાં થતા દુષ્કર્મ, મહિલા છેડતી કે મહિલા અત્યાચાર પર વાત કરતા નથી.

રાજ્યમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી એક મહિલા હોય ત્યારે એવું લાગે કે કોઈ પણ બાળક કે મહિલાઓ સાથે કંઈ પણ ખોટું થશે તો તેમની વેદના સમજી શકે. તેમની સાથે સહાનુભૂતિ દાખવી શકે. પણ આપણા મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા (Bhanuben Babariya) ક્યારેય કોઈ દુષ્કર્મ પીડિતાને મળતા નથી. ક્યારેય અત્યાચારનો ભોગ બનેલી મહિલાઓને મળતા નથી. પણ એક મહિલા જ મહિલા પ્રત્યે સહાનુભૂતિ નહિ દાખવી શકે તો ભાનુબેન આ પુરુષપ્રધાન શાસન વ્યવસ્થા પાસેથી શું આશાઓ રાખવાની ? અમને ખબર છે કે અત્યારે તમે બીમાર છો તમારી તબિયત સારી નથી, અમને પણ તમારા પ્રત્યે સહાનુભૂતિ છે.

હવે તમે જયારે પણ સાજા થાવ ત્યારે એકવાર આ પીએમના નિવેદન પર નજર કરજો. જેથી તમને પણ ખબર પડે કે મહિલાઓ માટે ભારતીય ન્યાય સંહિતામાં શું કાયદાઓ બનાવાવવામાં આવ્યા છે. જયારે પણ એક મહિલા સાથે અત્યાચાર થાય છે ત્યારે ત્યારે તમારે ના માત્ર એક મહિલા તરીકે પરંતુ એક મહિલા અને બાળ વિકાસ મંત્રી તરીકે એ મહિલાઓ કે બાળકીઓ પ્રત્યે સંવેદના જરૂરથી દાખવવી જોઈએ.

પીએમ મોદીએ મહિલાઓને લઈને કાયદાઓ વિશે શું કહ્યું ?

હવે આજે નવસારીમાં મહિલા દિવસની ઉજવણી હેઠળના એક કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે, ભારતીય ન્યાય સંહિતામાં મહિલાઓ અને બાળકો વિરુદ્ધ અપરાધો મામલે એક અલગ અધ્યાય જોડવામાં આવ્યો છે. પીડિત મહિલાઓ સહીત સહુ કોઈની ફરિયાદ હતી કે અપરાધ થયા બાદ પીડિત દીકરીઓને તારીખ ઉપર તારીખ આપવામાં જ સમય જતો સમય જતો રહે છે. ન્યાય માટે લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. ભારતીય ન્યાય સંહિતા હેઠળ બળાત્કાર જેવા જઘન્ય અપરાધોમાં 60 દિવસની અંદર આરોપો નક્કી કરવામાં આવે, 45 દિવસની અંદર ફેંસલો સંભળાવવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

વધુમાં પીએમ મોદીએ કહ્યું કે, પહેલા પીડિતોએ પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ નોંધાવવી પડતી હતી. પણ હવે કોઈ પણ જગ્યાએથી E-FIR નોંધાવી શકાય છે. જેના કારણે પોલીસને પણ ફરિયાદ પર કાર્યવાહી કરવામાં આસાની રહેતી હોય છે. ઝીરો FIRના પ્રાવધાન હેઠળ કોઈ પણ મહિલા કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી શકે છે. વધુ એક નિયમ એવો પણ બનાવાવમાં આવ્યો છે કે પીડિત મહિલાઓ પોતાનું નિવેદન ઓડિયો વીડિયોના માધ્યમથી પણ આપી શકાય છે. હવે મેડિકલ રિપોર્ટ પણ 7 દિવસની અંદર તૈયાર થઇ જવો જોઈએ. આ નિયમોને કારણે મહિલાઓને જલ્દી ન્યાય મળતો થયો છે. આવું આપણા વડાપ્રધાને મહિલા દિવસે જાહેર મંચ પરથી કહ્યું છે.

(અહેવાલ : સંજના બોડા)

આ પણ વાંચોPM Modi : પીએમ મોદીએ મહિલા સાથે થતા અત્યાચારના કાયદાઓ વિશે કરી વાત, હવે તો હર્ષભાઈ આ કાયદાઓનો અમલ કરવો !

Read More

Trending Video