Bangladesh Violence:બાંગ્લાદેશમાં (Bangladesh) વડા પ્રધાન શેખ હસીનાની (Sheikh Hasina) હકાલપટ્ટી બાદ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની આડમાં કટ્ટરપંથીઓએ હવે સુપ્રીમ કોર્ટ (Supreme Court) પર નિશાન સાધ્યું છે. વિરોધીઓએ આજે સુપ્રીમ કોર્ટનો ઘેરાવ કર્યો અને ચીફ જસ્ટિસ સહિત તમામ જજોના રાજીનામાની માંગ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ચીફ જસ્ટિસ સહિત તમામ જજ કોર્ટમાંથી ભાગી ગયા હતા. જે બાદ પરિસ્થિતિને જોતા બાંગ્લાદેશ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓબેદુલ હસને રાજીનામું આપી દીધું છે.
વિરોધીઓએ સુપ્રીમ કોર્ટનો ઘેરાવ કર્યો
બાંગ્લાદેશમાં શનિવારે ફરી એકવાર વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. પ્રદર્શનકારીઓએ ઢાકામાં સુપ્રીમ કોર્ટનો ઘેરાવ કર્યો અને ચીફ જસ્ટિસ સહિત તમામ જજોને એક કલાકમાં રાજીનામું આપવાનું અલ્ટીમેટમ આપ્યું હતું જેથી વધી રહેલા વિરોધને જોઈને બાંગ્લાદેશના મુખ્ય ન્યાયાધીશ ઓબેદુલ હસને રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હતો. ચીફ જસ્ટિસે સુપ્રીમ કોર્ટના પરિસરમાં પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે ‘દેશમાં વર્તમાન સ્થિતિને જોતાં સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને નીચલી કોર્ટના જજોની સુરક્ષાને ધ્યાનમાં રાખી મેં રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે.’ સાંજે પ્રમુખ મોહમ્મદ શહાબુદ્દીન સાથે ચર્ચા કર્યા બાદ તેઓ રાજીનામું સોંપશે.
ચીફ જસ્ટિસ ઓબેદુલ હસને રાજીનામું આપવાની ફરજ પડી
પ્રદર્શનકારીઓએ ચેતવણી આપી હતી કે જો ન્યાયાધીશ અને મુખ્ય ન્યાયાધીશ ઓબેદુલ હસન રાજીનામું નહીં આપે તો તેઓ તેમના નિવાસસ્થાનો પર હુમલો કરશે. તાજેતરમાં બાંગ્લાદેશમાં ભારે વિરોધ બાદ શેખ હસીનાને વડાપ્રધાન પદેથી રાજીનામું આપવાની ફરજ પડી હતી.
દેખાવકારો કેમ ભડક્યા ?
અહવાલ મુજબ ચીફ જસ્ટિસને નવી વચગાળાની સરકાર સાથે ચર્ચા કર્યા વિના જ ફૂલ કોર્ટ બેઠક બોલાવી હોવાથી વિદ્યાર્થીઓ અને અન્ય દેખાવકારો ભડક્યા હતા.અને મુખ્ય ન્યાયાધીશના તાત્કાલિક રાજીનામાની માંગ સાથે સેંકડો દેખાવકારો, મોટાભાગે વિદ્યાર્થીઓએ શનિવારે બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટને ઘેરી લીધી હતી.એક વિરોધકર્તાએ દાવો કર્યો હતો કે મુખ્ય ન્યાયાધીશ વચગાળાની સરકારને ગેરકાયદેસર જાહેર કરવાનું કાવતરું કરી રહ્યા છે.