Bangladesh: બાંગ્લાદેશની વચગાળાની સરકારે દુર્ગા પૂજા દરમિયાન અશાંતિના ભય વચ્ચે શંકાસ્પદ બદમાશોને ચેતવણી આપી છે. જે મુજબ હિંદુ તહેવારો દરમિયાન ધાર્મિક સ્થળોને નિશાન બનાવનારા અથવા સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. 9 ઑક્ટોબરથી 13 ઑક્ટોબર સુધી દુર્ગા પૂજાનો તહેવાર ઉજવવામાં આવશે. જેના માટે સરકાર સંપૂર્ણ સાવચેતી રાખી રહી છે.
છેલ્લા કેટલાક સમયથી બાંગ્લાદેશમાં લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, તેમના ધાર્મિક સ્થળોની તોડફોડ કરવામાં આવી રહી છે. જેને લઈને ભારતે નારાજગી વ્યક્ત કરી છે. ધાર્મિક બાબતોના સલાહકાર ડૉ. એએફએમ ખાલિદ હુસૈન, રાજાશાહી જિલ્લાના ગોદાગારીમાં પ્રેમતાલી ગૌરાંગ બારી કાલી મંદિરની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિ પૂજા સ્થાનોમાં ગડબડ કરે છે અથવા લોકોને હેરાન કરે છે, તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
‘હિંદુઓએ ઉત્સવો ઉત્સાહથી ઉજવવા જોઈએ’
ખાલિદ હુસૈને હિંદુ સમુદાયના લોકોને તેમના તહેવારો ઉત્સાહ સાથે ઉજવવા વિનંતી કરી છે. તેમણે ખાતરી આપી હતી કે મંદિરોને કોઈ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે નહીં અને જો આવું થશે તો તેને બક્ષવામાં આવશે નહીં અને કાયદા હેઠળ સજા કરવામાં આવશે. તેમણે કહ્યું કે જો મંદિરો પર હુમલાનો ડર હોય તો ખાતરી રાખો કારણ કે કોઈ પણ ગુનેગાર આમ કરવામાં સફળ નહીં થાય.
ધાર્મિક સ્થળોની સુરક્ષા માટે અધિકારીઓને સૂચના
આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે મંદિરોની સુરક્ષા માટે મદરેસાના વિદ્યાર્થીઓ સહિત સ્થાનિક લોકોની મદદ લેવામાં આવી છે. ધાર્મિક તહેવારો ઉજવવાનું કોઈ રોકશે નહીં. ખાલિદ હુસૈને કહ્યું કે બાંગ્લાદેશની વચગાળાની સરકાર દેશને ભેદભાવ અને સાંપ્રદાયિકતાથી મુક્ત બનાવવા માંગે છે. ગયા શનિવારે, તેમણે અધિકારીઓને ચેતવણી આપી હતી કે અસામાજિક તત્વો દુર્ગા પૂજા દરમિયાન સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે. તેમણે પૂજા મંડપની સુરક્ષા માટે પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો.
લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે
હકીકતમાં બાંગ્લાદેશમાં વડાપ્રધાન શેખ હસીનાની હકાલપટ્ટી બાદ ફાટી નીકળેલી હિંસા દરમિયાન લઘુમતી હિન્દુ સમુદાયને સતત નિશાન બનાવવામાં આવી રહ્યો છે. તેમની દુકાનો અને મિલકતોને નુકસાન થઈ રહ્યું છે. આ સાથે ધાર્મિક સ્થળોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. જેના કારણે ભારતમાં પણ ભારે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. ગયા મહિને હજારો હિંદુઓએ જાધાની, ઢાકા અને ચટગાંવમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સુરક્ષાની માંગણી કરી હતી.
આ પણ વાંચો: ‘અમે તમને પોતાના માનીએ છીએ… પણ પાકિસ્તાન વિદેશી માને છે’, PoK પર રાજનાથ સિંહે આપી પ્રતિક્રિયા