banaskantha : ગુજરાતમાં (Gujarat) હવે ભૂતિયા શિક્ષકોનો (teacher) રાફડો ફાટ્યો છે. બનાસકાંઠામાંથી (banaskantha) ભૂતિયા શિક્ષકની ઘટના સામે આવ્યા બાદ રાજ્યમાં એક બાદ એક ભૂતિયા ક્ષિક્ષકોની ઘટના સામે આવી રહી છે. ત્યારે બનાસકાંઠામાં અંબાજી (Ambaji) નજીક પાન્છા પ્રાથમિક શાળામાં શિક્ષકા ભાવનાબેન પટેલ અમેરિકા રહીને પગાર લે છે તેવી ઘટના સામે આવ્યા બાદ હવે ભાવનાબેને અમેરીકાથી વીડિયો જાહેર કરીને પોતાની વાત રજુ કરી છે. જેમા તેમને પોતે જિલ્લા પંચાયતની NOC લઈને તેમજ તમામ પ્રોસેસ પૂર્ણ કરીને અમેરીકા ગયા હોવાનું જણાવ્યું છે.
બનાસકાંઠાની ભૂતિયા શિક્ષકાનો વીડિયો વાયરલ
મુખ્ય શિક્ષિકા ભાવના પટેલએ કહ્યું કે, હુ જ્યારે અહીં આવવા માટે પાસપોર્ટ કરાવ્યો ત્યારે જિલ્લા પંચાયતની NOC લીધી છે. ત્યાર પછી અમરીકાની પ્રોસેસ કરી ત્યારે વીઝા માટે પણ મારે NOC ની જરુર હતી. એટલે મે તે વખતે પણ NOC લીધી છે. મે બધી જગ્યાએ NOC આપેલ છે તેમ છતા મારી પાસે બધા પુરાવા પણ છે. હુ જ્યારે આવું ત્યારે આ પુરાવા આપી શકું છું.
ગુજરાતમાં સૌ પ્રથમ બનાસકાંઠામાં ભૂતિયા શિક્ષકનો કિસ્સો
મહત્વનું છે કે, ગુજરાતમાં સૌ પ્રથમ બનાસકાંઠામાં ભૂતિયા શિક્ષકનો કિસ્સો સામે આવ્યો હતો જેમાં અંબાજી નજીક પાન્છા પ્રાથમિક શાળામાં શિક્ષકા ભાવનાબહેન પટેલ હાલમાં અમેરિકા રહેતાં હોવા છતા છેલ્લા ઘણા મહિનાઓથી તેઓ ‘ગેરકાયદેસર રીતે શાળામાં ગેરહાજર’ છે.આ અંગે ખુદ શાળાનાં ઇન્ચાર્જ આચાર્ય પારુલ મહેતાએ ખુલાસો કર્યો હતો.
ઇન્ચાર્જ આચાર્ય પારુલ મહેતાએ કર્યો હતો ખુલાસો
ઇન્ચાર્જ આચાર્ય પારુલ મહેતાએ કહયું કે, આ શાળા આદિવાસી પટ્ટાની એક શાળા છે. હું આ શાળામાં આવી તેને નવ મહિના જેટલો સમય થયો છે. આ શાળામાં ભાવનાબહેન પટેલ નામના એક શિક્ષિકા છે જેઓ પોતે અમેરિકાના શિકાગો શહેરમાં રહે છે તેઓ વર્ષમાં એક મહિનો અહીં આવે છે. એક મહિનો આવીને તેઓ શિક્ષક તરીકે નોકરીમાં ચાલુ છે એવી ગણતરી કરાવીને જતા રહે છે. આવું કેટલાંય વર્ષોથી ચાલી રહ્યું છે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ શું કહ્યું હતું ?
આ ભૂતિયા શિક્ષિકાની ઘટના સામે આવતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વીનુ પટેલે કહ્યું હતુ કે, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જ્યારે મે મહિનામાં શાળાની મુલાકાત લીધી ત્યારે તેમના ધ્યાનમાં આ વાત આવી હતી. તેમણે જૂન મહિનામાં જ આ શિક્ષિકાને નોટિસ આપી હતી. નોટિસનો ખુલાસો પણ શિક્ષિકાએ આપ્યો હતો જેને ગ્રાહ્ય રાખવામાં આવ્યો નથી અને તાલુકા શિક્ષણ અધિકારીએ આગળની કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યા હતા. અગાઉનાં વર્ષોમાં પણ 10 કરતાં વધુ શિક્ષકોને પણ આ રીતે બરતરફ કરવામાં આવેલા છે. આ જ રીતે ભાવનાબહેનની તપાસ થશે અને ફરીથી નોટિસ આપી તેમની સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે.
કોની રહેમનજર હેઠળ શાળામાં આવી લાલિયાવાળી ચાલી રહી હતી ?
જો કે આ ઘટનામાં નોંધવા જેવી બાબત તે છે કે, એક તરફ શાળાનાં આચાર્યા આઠ વર્ષથી ભાવનાબહેન આ રીતે ગેરહાજર હોવાનો દાવો કરી રહ્યાં છે જ્યારે શિક્ષણાધિકારીનું કહેવું છે કે તેઓ માત્ર આઠ મહિનાથી જ આ પ્રકારે ગેરહાજર છે. તેમજ તાલુકા શિક્ષણ અધિકારીએ આગળની કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યા હતા તો હજુ સુધી કેમ કાર્યવાહી કરવામા ન આવી ? કોની રહેમનજર હેઠળ શાળામાં આવી લાલિયાવાળી ચાલી રહી હતી ? ત્યારે હજુ પણ ઉંડી તપાસ થાય તો રાજ્યમાં અનેક આવા ભુતિયા શિક્ષકો સામે આવી શકે છે. સરકારને છેતરીને સરકારી પગાર ખાનારા શિક્ષકો તેમજ તેમાં સંડોવાયેલા અધિકારીઓ સામે કાર્યવાહી થાય ચે કે નહીં તે તો હવે જોવું રહ્યું..