Banaskantha: બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં આવેલા માલણ ગામમાંથી દારૂબંધીના કડક અને અસરકારક અમલ માટે એક દાખલારૂપ અને કડક કદમ સામે આવ્યું છે. ગામમાં દારૂના દૂષણને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે માલણ ગ્રામ પંચાયત અને ગ્રામજનો એક થઈને એક્શન મોડમાં આવી ગયા છે. પંચાયતે અગાઉ કરેલા ઠરાવનું ઉલ્લંઘન કરનારા અને ગામમાં ગેરકાયદેસર દેશી-વિદેશી દારૂનું વેચાણ તેમજ સેવન કરનારા 5 શખ્સો સામે આકરી કાર્યવાહી કરી તેમના ઘરના પાણીના કનેક્શન તાત્કાલિક અસરથી કાપી નાખ્યા છે.
ગ્રામસભામાં અગાઉ સર્વસંમતિથી લેવાયો હતો કડક નિર્ણય
માલણ ગામમાં યુવાધનને બરબાદી તરફ ધકેલતા દારૂના દૂષણને ડામવા માટે ગ્રામ પંચાયત દ્વારા અગાઉ એક વિશેષ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રામસભામાં સરપંચ, પંચાયતના સભ્યો અને ગામના વડીલોની ઉપસ્થિતિમાં સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો કે ગામની હદમાં કોઈએ પણ દારૂનું વેચાણ કરવું નહીં કે નશાની હાલતમાં ગામમાં ફરવું નહીં. સાથે જ એવી સખત ચેતવણી આપવામાં આવી હતી કે નિયમનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ સામે ગ્રામ પંચાયત કડક સામાજિક અને વહીવટી પગલાં ભરશે.
દારૂ વેચનાર કે પીનારની તમામ પંચાયતી સુવિધાઓ બંધ કરાશે
આ ઠરાવ અને આકરી જાહેરાત છતાં ગામમાં અમુક લોકો છૂપી રીતે દારૂની હેરાફેરી અને વેચાણ પ્રવૃત્તિમાં સંડોવાયેલા જોવા મળ્યા હતા. જેને પગલે પંચાયતે આકરું વલણ અપનાવ્યું છે. ગેરકાયદે પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ચિહ્નિત 5 લોકોના નળ જોડાણ (પાણી કનેક્શન) કાયમી ધોરણે રદ કરી દેવાયા છે. પંચાયત દ્વારા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે દારૂ પીનારા કે વેચનારા લોકોને પંચાયત દ્વારા અપાતા તમામ દાખલાઓ, સરકારી યોજનાકીય લાભો અને મૂળભૂત નાગરિક સુવિધાઓ આપવાનું બંધ કરવામાં આવશે. હવેથી માલણ ગામમાં દારૂ વેચનારાઓને પંચાયતના પીવાના પાણીથી પણ વંચિત રાખવામાં આવશે.
અન્ય ગામો માટે બન્યું પ્રેરણારૂપ પગલું
ગ્રામ પંચાયતની આ અભૂતપૂર્વ અને કડક કાર્યવાહીથી ગામમાં દારૂનો ગેરકાયદે ધંધો કરતા અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. માલણ ગ્રામજનો અને પંચાયતના આ સાહસિક પગલાને સમગ્ર બનાસકાંઠા પંથકમાં આવકારવામાં આવી રહ્યું છે. સ્થાનિક મહિલાઓ અને યુવાનોએ પંચાયતના નિર્ણયને સમર્થન આપી વ્યસનમુક્ત ગામ બનાવવા સંકલ્પ વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો: Banaskantha: જલોત્રામાં એક જ ઘરમાં બે અર્થી ઉઠતાં ગમગીની, નાના ભાઈના એટેક બાદ મોટા ભાઈએ પણ જીવ ગુમાવ્યો