Balochistan: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં બસ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે અને 20 લોકો ઘાયલ થયા છે. આ ઘટના દાનાસર વિસ્તારમાં બની હતી. જ્યાં એક પેસેન્જર બસ ઉંડી ખાઈમાં પડી હતી. ઘટના અંગે મળતી માહિતી મુજબ, બસ પહાડી માર્ગ પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક ઉંડી ખીણમાં પડી ગઈ હતી. પ્રાથમિક અહેવાલ મુજબ બસમાં કુલ 30થી વધુ લોકો સવાર હતા. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે અકસ્માત સવારે ત્યારે થયો જ્યારે બસ ખૂબ જ ઝડપે હતી.
ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. કેટલાક ઘાયલોની હાલત ગંભીર છે, અને તેમને સારી સારવાર માટે અન્ય હોસ્પિટલોમાં મોકલવામાં આવ્યા છે. સ્થાનિક પ્રશાસને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોની સારવાર માટે તમામ જરૂરી પગલાં ભરવાની ખાતરી આપી છે.
મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું
Balochistanના મુખ્યમંત્રીએ પણ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે આવી ઘટનાઓને રોકવા માટે નક્કર પગલાં લેવા જોઈએ. બલૂચિસ્તાનમાં આ પ્રકારની દુર્ઘટના પહેલીવાર નથી થઈ. અહીંના પહાડી વિસ્તારોમાં રસ્તા પાતળા અને જોખમી છે. જેના કારણે અવારનવાર અકસ્માતો થાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વામાં અનેક મોટા માર્ગ અકસ્માતો થયા છે. જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે.
સ્થાનિક લોકોમાં ચિંતા
સ્થાનિક રહેવાસીઓ અને મુસાફરોએ માર્ગ સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે સરકાર પાસે માગણી કરી છે કે રસ્તાઓને સુરક્ષિત બનાવવામાં આવે અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે. આ અકસ્માતે ફરી એકવાર માર્ગ સલામતીનો મુદ્દો ઉજાગર કર્યો છે. લોકો કહે છે કે જો રસ્તાઓ વધુ સારા હોય અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવામાં આવે તો આવી ઘટનાઓ ઘટશે.