Azharuddin Money Laundering Case: પૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન (Mohammad Azharuddin) પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનમાં (Hyderabad Cricket Association) મની લોન્ડરિંગના કેસમાં EDએ પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીનને સમન્સ જારી કર્યા છે. તેમના પર ફંડના દુરુપયોગનો આરોપ છે. તેઓ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ રહી ચૂક્યા છે, તપાસ એજન્સીએ તેમને હાજર થવા માટે કહ્યું છે.
હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનમાં ભ્રષ્ટાચાર મામલે EDએ અઝહરુદ્દીનને સમન્સ
હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં EDએ કોંગ્રેસના નેતા અને ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનને સમન્સ પાઠવ્યા છે. અઝહરુદ્દીન સપ્ટેમ્બર 2019માં HCAના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. તેમણે જૂન 2021માં તેમનું પદ છોડવું પડ્યું હતું. એપેક્સ કાઉન્સિલે તેમની સામે ભંડોળના દુરુપયોગના આરોપમાં કાર્યવાહી કરી હતી.
શું છે સમગ્ર મામલો ?
આ કેસ હૈદરાબાદના ઉપ્પલમાં રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમ માટે ડીઝલ જનરેટર,અગ્નિશમન પ્રણાલી અને કેનોપીની ખરીદી માટે ફાળવવામાં આવેલા રૂ. 20 કરોડના કથિત દુરુપયોગ સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. ઓક્ટોબર 2023માં હૈદરાબાદ પોલીસ દ્વારા નોંધાયેલા ચાર ફોજદારી કેસમાંથી મની લોન્ડરિંગનો આ મામલો પ્રકાશમાં આવ્યો હતો.જેમાં અઝહરુદ્દીન અને અન્ય ભૂતપૂર્વ HCA અધિકારીઓ પર ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ વિશ્વાસના ગુનાહિત ભંગ, છેતરપિંડી, બનાવટી અને ષડયંત્રનો આરોપ મૂકવામાં આવ્યો હતો.સમાચાર અનુસાર, HCAની વિનંતી પર કરવામાં આવેલા ફોરેન્સિક ઓડિટમાં માર્ચ 2020 અને ફેબ્રુઆરી 2023 વચ્ચે ફંડના ગેરવહીવટનો ખુલાસો થયો હતો. આ તારણો બાદ, HCA CEO સુનીલ કાંતે બોઝે ફરિયાદ નોંધાવી હતી.
ટુંક સમયમાં પૂછપરછ કરવામાં આવે તેવી શક્યતા
ઉલ્લેખનીય છે કે, અઝહરુદ્દીન અગાઉ HCAના પ્રમુખ રહી ચૂક્યા છે અને તેમના કાર્યકાળ દરમિયાન 20 કરોડ રૂપિયાની ગેરરીતિનો મામલો સામે આવ્યો છે, જેના માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આજે તેમને સમન્સ મોકલ્યા છે અને ટૂંક સમયમાં તેમની પૂછપરછ કરવામાં આવે તેવી શક્યતા છે.
આ પણ વાંચો : Rajkot : નવરાત્રીના પ્રથમ દિવસે ખોડલધામના ચેરમેન નરેશ પટેલની ઉપસ્થિતિમાં કાગવડથી ખોડલધામ મંદિર સુધી પદયાત્રા યોજાઈ