પ્રદેશ અધ્યક્ષ CR Patil ના નામે BJP ની 2 મહિલા નેતાઓને ઠગવાનો પ્રયાસ, જાણો સમગ્ર મામલો

નવસારીમાં પ્રદેશમંત્રી જ્હાન્વી વ્યાસ અને પ્રદેશ મંત્રી શીતલ સોની સાથે છેતરપિંડીનો નિષ્ફળ પ્રયાસ

October 7, 2023

રાજ્યમાં ઠગાઈનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના નામે ઠગાઈ કરવાનો પ્રયાસ કરવામા આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. નવસારીમાં પ્રદેશમંત્રી જ્હાન્વી વ્યાસ અને પ્રદેશ મંત્રી શીતલ સોની (Shital Soni) સાથે છેતરપિંડીનો નિષ્ફળ પ્રયાસ કરવામા આવ્યો છે.

કેવી રીતે ઠગાઈનો મામલો પકડાયો?

પ્રાપ્ત જાણકારી મુજબ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલના નામે પ્રદેશ મંત્રી જ્હાન્વી વ્યાસ અને પ્રદેશમંત્રી શીતલ સોની સાથે છેતરપિંડીનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. અજાણ્યા ઠગબાજે પ્રદેશમંત્રી શીતલ સોનીના ઘરે પાર્સલ મોકલ્યું હતું. અને રુ. 1500 ચૂકવીને ચૂકવી પાર્સલ છોડાવવાની વાત કરી હતી. જો કે શીતલ સોનીને શંકા જતા તેમણે સીધો જ પ્રદેશ અધ્યક્ષના કાર્યાલયનો સંપર્ક કર્યો હતો. જેથી તેમણે ત્યાંથી કોઈ પાર્સલ મોકલ્યું ન હોવાનું જણાવવામાં આવ્યું હતું. જે બાદ ઠગાઈનો આ સમગ્ર મામલો સામે આવ્યો હતો.

BJP Leader Shital Soni
BJP Leader Shital Soni

સોશિયલ મીડિયા થતી લોકોને કર્યાં સતર્ક

મંત્રી શીતલ સોનીએ પોતાની સાથે બનેલી આ ઘટના અંગે ફેસબુક પર પોસ્ટ કરીને કાર્યકરોને સતર્ક રહેવા જણાવ્યું છે. પોસ્ટ વાયરલ થતા રાજકીય ગલીઓમાં ચર્ચા જાગી છે.

વધુ એક કાર્યકર્તાને મળ્યું પાર્સલ

જો કે ભાજપના મંત્રી સાથે ઠગાઈની આ પહેલી ઘટના નથી, આ જ રીતે ભાજપના પ્રદેશ મંત્રી જ્હાન્વી વ્યાસ (Jhanvi Vyas) સાથે પણ છેતરપિંડીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મંત્રી જ્હાન્વી વ્યાસના નડીયાદ ખાતે આવેલા તેમના નિવાસસ્થાને પણ આવી જ રીતે ભાજપ પ્રદેશ અધ્યક્ષના નામે પાર્સલ આવ્યું હતું. જો કે તેમણે પણ આ બાબતે શંકા જતાં તેઓએ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ સાથે ફોન પર વાતચીત કરી હતી. અને સમગ્ર મામલો સામે આવતા તેઓએ પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકીને આ અંગે માહિતી આપી હતી.

BJP Leader Jhanvi Vyas
BJP Leader Jhanvi Vyas

ભાજપની એડવાઈઝરી

આ ઘટના સામે આવતા પ્રદેશ કાર્યાલય દ્વારા કાર્યકરો માટે સુચના જાહેર કરવામા આવી છે જેમાં જણાવવામા આવ્યું છે કે, “ભારતીય જનતા પાર્ટી – ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ C.R.Patil અથવા તેમના કાર્યાલય દ્વારા કોઈ પણ પદાધિકારી કે કાર્યકર્તાને કોઈ પણ પ્રકારનું પાર્સલ મોકલવામાં આવ્યું નથી. જેથી તમામ કાર્યકર્તા ને જણાવવાનું કે પ્રદેશ અધ્યક્ષ C.R.Patil ના નામે આવેલ Cash on Delivery પાર્સલ સ્વીકારવું નહીં. એટલેકે પાર્સલની ડિલિવરી સમયે પૈસા માંગે એવા કોઈ પણ પાર્સલ લેવા નહિ, પરત મોકલવું”.

પોલીસ ફરિયાદ કેમ નહી?

જો કે આ બાબતે પોલીસમાં કોઈ ફરિયાદ હાલ સુધી નોંધાઈ ન હોવાનું સામે આવ્યું છે.

Read More