Assembly Session : ગુજરાતમાં અત્યારે વિધાનસભાનું ત્રિદિવસીય ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. ચોમાસુ સત્રના પહેલા દિવસે કોંગ્રેસ દ્વારા નારાઓ લગાવી સદન બહાર દેખાવો કરવામાં આવ્યા હતા. ત્યારે આજે પણ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કર્યો હતો અને સદનમાંથી વોકઆઉટ કર્યું હતું. જે બાદ તેમને વિધાનસભાના સત્રમાંથી તમામ 12 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન કોંગ્રેસ દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો તે બાદ તેમને સદનમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સદનમાંથી વોકઆઉટ કર્યા બાદ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે, અમે તો માત્ર પ્લેકાર્ડ બતાવી અમારી જગ્યા પર રહી વિરોધ દર્શાવ્યો હતો. જે વિધાનસભા પ્રજાના ટેક્સના પૈસાથી ચાલે છે. અને તે જ ગૃહમાં પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવતી નથી. આ લોકશાહી છે અને લોકોના પ્રશ્નોને જ વાચા આપી શકતી નથી.
વધુમાં અમિત ચાવડાએ ભાજપ પ્રહાર કરતા કહ્યું કે, શા માટે રાજ્યમાં રાજકોટ અગ્નિકાંડથી લઈને જે પણ મોટી ઘટનાઓ બની તેમાં મોટા ભાગે ભ્ર્ષ્ટાચાર સામે આવ્યો છે. કેમ કોઈ પણ મોટી ઘટના બને અને તેમાં ભાજપ નેતાની સંડોવણી નીકળે ? ભાજપ નેતાઓના બુટલેગરોથી લઈને ડ્રગ્સ પેડલરો સાથે કનેક્શન બહાર આવે છતાં તેમના પર કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે આ જ બધી ઘટનાઓ પર તપાસની માંગ અમે કરી છે.