Assembly Session : ગુજરાતમાં અત્યારે વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. આ ત્રિ-દિવસીય ચોમાસુ સત્રમાં પહેલા દિવસે જ ભૂતિયા શિક્ષકોનો મુદ્દો ઉઠ્યો હતો. જેમાં શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે જવાબ આપ્યો હતો. થોડા દિવસ પહેલા જ 134 શિક્ષકોને ફરજમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. ત્યારે આ મામલે ગૃહમાં પણ ચર્ચા કરવામાં આવી હતી.
વિધાનસભા સત્ર દરમિયાન ધારાસભ્ય દ્વારા બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓ તથા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં છેલ્લાં છ માસમાં કેટલાં શિક્ષકો વિદેશમાં રહીને પગાર મેળવે છે. તે અંગે પૂછાયેલા ટૂંકી મુદતના પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળામાં કુલ 12 શિક્ષકો તથા પાટણમાં 7 શિક્ષકો છે જેમાંથી કોઈપણ શિક્ષક પગાર મેળવતાં નથી. બનાસકાંઠા જિલ્લાના 12 ગેરહાજર શિક્ષકો પૈકી છ શિક્ષકો સામે નિયમ અનુસાર કાર્યવાહી કરી ફરજ પરથી બરતરફ કરવામાં આવ્યા છે. બે શિક્ષકો દ્વારા રાજીનામાં મંજૂરી અર્થે રજૂ થતા રાજીનામું મંજૂર કરવામાં આવ્યાં છે બાકીના ચાર શિક્ષકો સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે.પાટણના બન્ને શિક્ષકો NOC મેળવીને વિદેશ ગયાં હોવાથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
સાથે જ કુબેર ડિંડોરે જણાવ્યુ હતું કે, વર્ષ 2019 થી 2022 દરમિયાન વિદ્યા સમીક્ષા કેંદ્ર દ્વારા મળતી ઓનલાઇન હાજરીની વિગતો પરથી બિન અધિકૃત ગેરહાજર શિક્ષકો માહિતીનું એનાલીસીસ કરી તેમના વિરુદ્ધ નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાંથી બિન અધિકૃત ગેરહાજર અને વિદેશ પ્રવાસના કારણે ગેરહાજર રહેલા 134 શિક્ષકોને ફરજમાંથી બરતરફ કરવામાં આવ્યાં છે.
શિક્ષણમંત્રી ડીંડોરે ઉમેર્યું હતું કે, ચાલુ વર્ષે સમગ્ર રાજ્યના જિલ્લા તથા નગર શિક્ષણ સમિતિમાં વર્ષ 2023-24 થી વર્ષ 2024-25 માં ત્રણ માસ કે તેથી વધુ સમયથી ગેરહાજર હોય તેવા 70 શિક્ષકો અને વિદેશ પ્રવાસના કારણે ગેરહાજર હોય તેવા 60 શિક્ષકો એમ કુલ 130 શિક્ષકોની સામે કાર્યવાહી કરતાં ચાર જિલ્લા અને એક નગર શિક્ષણ સમિતિમાંથી કુલ 10 શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યાં છે અને બાકી રહેલા શિક્ષકોને નિયમાનુસાર બરતરફ કરવામાં આવશે.
આ પણ વાંચો : Pooja Khedkar : મહારાષ્ટ્રની પૂજા ખેડકરની આગોતરા જામીન અરજી મોકૂફ, ક્રાઈમ બ્રાન્ચે જામીનનો વિરોધ કર્યો